સુરત હવે વિસ્તરતું જાય છે, એ સાથે જ ગુના પણ વધતા જાય છે. સુરતના અમરોલી વિસ્તારમાં એક વિદ્યાર્થીનીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. આજકાલ કિશોરો કે યુવાનો ઘણી વખત ક્ષુલ્લક લાગે એવી વાતે જીવન ટૂંકાવી દેતા હોય છે. જીવનના પડકારો ઝીલવા જેટલી શક્તિ ન હોય ત્યારે ખરેખર નવી પેઢી શું કરશે એ આશ્ચર્ય થાય છે. કલ્પિત ભય ઘણી વખત ઘણાને આત્મહત્યા ભણી દોરી જતો હોય છે, એવું સુરતની એક વિદ્યાર્થીનીએ કર્યું છે.
નામ બદલીને વાત કરીએ તો સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા કૌશલભાઇ સાડીમાં લેસ લગાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સામાન્ય ગણાય એવા પરિવારમાં તેમને એક દીકરી છે, તેનું નામ નયનતારા છે. ધોરણ 9માં ભણતી નયનતારાને ઘરે રાખીને તેના માતા અને પિતા બહાર ગયા હતા. નયનતારાના નયન કોઇ યુવાન સાથે મળી ગયા હતા. વય એવી કુમળી કે નવા પાત્ર સાથે વધુ ઢળી જવાય એ સમજી શકાય એમ છે. ત્રણેક મહિનાથી તેને યુવાન સાથે પ્રેમ સબંધ હતો. માતા પિતા ઘરે ન હોવાથી તેણે ફોન કરીને પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. જો કે પ્રેમી ઘરે આવ્યો અને તેને પડોશી જોઇ જતાં નયનતારા ગભરાઇ ગઇ હતી.
દીકરી વયમાં નાની હોય ત્યારે સ્વાભાવિકપણે માતા – પિતા એટલી કાળજી રાખે છે કે તેમની દીકરી ક્યાંક ફસાઇ ન જાય. એ માટે તેઓ તેના પર તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ પ્રેમમાં ન પડે તેનું ધ્યાન રાખતા હોય છે. ઘણી સગીરાઓ માટે પ્રેમજાળમાં ફસાઇ જવું સહજ થઇ જતું હોય છે. એ વખત વધતી વય સાથે થોડી નાદાનિયત પણ તેમના જીવનને દોઝખ બનાવી દેતી હોય છે. નયનતારાને પણ પ્રેમ સબંધ અંગે માતા- પિતાથી ડર લાગતો હશે, એમાં પડોશી યુવાનને ઘરે આવેલો જોઇ જતાં નયનતારાને લાગ્યું કે પડોશી હવે તેના પિતાને જાણ કરી દેશે. એ કાલ્પનિક ભયથી તે પીડાઇ હતી. પિતા જાણશે તો મારશે કે વઢશે એવી બીકે તે પિતાનો સામનો કરવા માટે સજ્જ જ ન હતી, એ ભયમાં તેણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. અમરોલી પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.