હવે દેશભરમાં ખાનગી ધોરણે પણ કોરોનાની રસી પણ મળતી થઇ ગઇ છે. 250 રૂપિયામાં તેનો એક ડોઝ મળી શકશે, જ્યારે બીજી તરફ પહેલી માર્ચથી 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બિમારી ધરાવતા લોકોનું રસીકરણ શરૂ થયું છે. જો કે આ રસી મૂકાવવા માટે તમારે કેટલાય ડોક્યુમેન્ટસ લઇ જવા પડશે. સરકારી હોસ્પિટલોમાં આ રસી વિનામૂલ્યે મૂકી આપવામાં આવશે અને એ માટેનું આયોજન થઇ ગયું છે. સરકારી તેમજ પાલિકા સંચાલિત હોસ્પિટલોમાં પણ આ રસી વિનામૂલ્યે આપવામાં આવશે. યાદ રહે કે આ પહેલાં કોરોના વોરિયર્સોનું બે ડોઝમાં રસીકરણ પૂરૂં થઇ ગયું છે. હવે સામાન્ય નાગરિકોના રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થઇ રહ્યો છે. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉપરાંત પાલિકા આરોગ્ય વિભાગમાં કામ કરતા લોકો તેમજ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કામ કરતા કર્મચારીઓને પણ આ રસીકરણ થઇ ગયું છે. હવે ત્રીજા તબક્કામાં સીનિયર સીટીઝનોને કોરોના વેક્સિનેશન શરૂ થયું છે. પહેલી માર્ચથી એ રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. 60 વર્ષથી વધુ વયના સીનિયર સીટીઝનોને રસીકરણ શરૂ કરાયું છે. ઉપરાંત 45 વર્ષથી વધુ વયના ગંભીર બિમારી ધરાવતા લોકોને પણ રસીકરણ કરાશે. ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસના દર્દીને પણ રસીકરણ કરાશે. ઉપરાંત પ્રેશર અને ડાયાબિટીસ જેવી બિમારી ધરાવતા લોકોને પણ આવરી લેવાની ધારણા છે.
પહેલી માર્ચથી શરૂ થયેલા કોરોના રસીકરણ કાર્યક્રમનો લાભ લેવા માટે તમારે વિવિધ ડોક્યુમેન્ટસ રાખવા જરૂરી છે. 60 વર્ષથી વધુ વયના લોકો કોરાના રસીકરણ માટે જાય ત્યારે સાથે ઓળખપત્ર રાખવું જરૂરી છે. ઓળખપત્ર તરીકે આધારકાર્ડ, લાયસન્સ કે પાન કાર્ડ જેવા દસ્તાવેજો ઓળખપત્ર તરીકે માન્ય રખાયા છે. ચૂંટણી કાર્ડ હોય તો તે પણ ચાલી શકે છે. આ ચાર પૈકી કોઇ પણ એક ઓળખપત્ર જરૂરી છે. જો કે કોઇ બિમારી હોય અને એ હેઠળ તમને કોરોના રસીકરણ થવાનું હોય તો તમારે 45 વર્ષ કે તેથી વધુ વયની ઓળખ તરીકે આધારકાર્ડ કે પાન કાર્ડ ચાલી શકશે. ડ્રાઇવિંગ લાયસન્સ પણ વય દર્શાવતું હોય એ પણ પુરાવા તરીકે ચાલી શકે છે. પરંતુ એ ઓળખપત્ર ઉપરાંત એક બીજું સર્ટીફિકેટ પણ બિમાર વ્યક્તિ માટે જરૂરી છે. 45 વર્ષથી વધુ વયવાળા લોકોએ હાઇ પ્રેશર કે ડાયાબિટીશ કે બીજી ગંભીર બિમારી હોય તો એ માટે તબીબી સર્ટીફિકેટ પણ રજુ કરવું જરૂરી છે. એ સર્ટીફિકેટ હશે તો જ તમને વિનામૂલ્યે કોરોના રસીકરણ કાર્યક્રમનો લાભ મળી શકશે. સરકાર હવે આ ત્રીજા તબક્કામાં સીનિયર સીટીઝનો કે ગંભીર બિમારી ધરાવતા લોકોને આવરી લેવા માંગે છે. એ સિવાયના લોકોએ ખાનગી રીતે કોરોનાની રસી મૂકાવવી હોય તો મૂકાવી શકશે. જો કે ગરીબ લોકોને તેમાં કોઇ રાહત મળશે કે કેમ તેનો ફોડ પડાયો નથી. સવાલ એ લોકો માટે જ ઊભો થશે. જો તેઓ તંદુરસ્ત હશે પણ રસીનો ખર્ચ કરી શકે એમ ન હોય તો શું તેને કોરોનાની રસીનો લાભ નહીં મળે ?