નવા ખેતી કાયદાને લઈને ઉઠેલો વિરોધ વંટોળ શાંત થતો નથી. તેથી વિપક્ષો પણ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે 28 દિવસે પણ કોઈ સમાધાન ન થતાં વાત વણસી ગઈ છે. કિસાન સંગઠનો કાયદાને પાછો લેવાની માંગ કરી રહ્યા છે તો સરકાર સુધારા વધારાની વાતથી આગળ વધતી નથી. દરમિયાન કોંગ્રેસને મોદી સરકારને ભીંસમાં લેવા મુદ્દો મળી ગયો છે. રાહુલ ગાંધીએ આજે ખેડૂતોના સમર્થનમાં આ કાયદાને પાછો ખેંચવાની માંગણી સાથે રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી યોજી હતી, પણ તેને માર્ગમાં જ રોકી દેવામાં આવી હતી, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને હિરાસતમાં લેવાયા હતા. જે બાદ રાષ્ટ્રપતિને 2 કરોડ હસ્તાક્ષરવાળું આવેદન રાહુલ ગાંધી તથા અન્ય નેતાઓએ રાષ્ટ્રપતિને સોંપ્યું હતું.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી માર્ચમાં અન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ ભાગ લીધો હતો. બીજી તરફ કિસાન સંગઠનો સરકાર સામે રોષે ભરાયા છે, તેઓનો આરોપ છે કે, વાતચીત ફરીથી શરૂ કરવા માટે નવા નક્કર પ્રસ્તાવને લઇ આવશે તો સમાધાન થઈ શકે છે. જયારે કૃષિ મંત્રીએ કહ્યું કે સમાધાન સુધી પહોંચવા માટે સંવાદ જ એક રસ્તો છે. સરકાર કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે પ્રતિબદ્ધ છે. જો કે, ખેડૂતો સરકાર સામે આક્ષેપ કરતા રહ્યા છે કે, પ્રસ્તાવમાં સરકાર કોઈ નવી વાત લાવતી નથી. તેથી મડાગાંઠ ઉકેલાતી નથી.