હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીન-પાકિસ્તાનની નકારાત્મક હરકતો પર નજર રાખવા માટે ભારતે કવાયત આરંભી દીધી છે. રવિવારે ભારત આ માટે મહત્વનું કદમ ઉઠાવ્યું હતુ. જેમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં લશ્કરી અને મર્ચન્ટ નેવી જહાજોની ગતિવિધિ પર નજર રાખવા માટે ડીઆરડીઓ દ્વારા વિકસિત ઉપગ્રહ સિંધુનેત્રનું લોન્ચિંગ ઈસરો દ્વારા રવિવારે કરાયું હતુ. આ કાર્ય દ્વારા હિંદ મહાસાગરમાં ભારતને લશ્કરી અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં મોટી મદદ મળશે. ડીઆરડીઓના યુવા વૈજ્ઞાનિકો દ્વારા સિંધુનેત્ર તૈયાર કરાયો છે. ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડનું આ પ્રથમ સંપૂર્ણ વ્યાવસાયિક લૉન્ચિંગ છે.
ઇસરોના વડા કે સિવને આ વિશે કહ્યું હતુ કે, સિંધુનેત્ર ઉપગ્રહને રવિવારે પીએસએલવી-સી 51 (PSLV-C-51) દ્વારા લોન્ચ કરાયો છે. ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડના પ્રથમ મિશન અંતર્ગત શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી પીએસએલવી સી -51 દ્વારા રવિવારે બ્રાઝિલના એમેઝોનીયા-1 અને અન્ય 18 ઉપગ્રહોને લૉન્ચ કરાયા હતા. કે શિવાને ઉમેર્યું હતુ કે, ઇસરોનું વર્ષનું આ પહેલું મિશન છે. છોડાયેલા 18માંથી 5 ઉપગ્રહોને વિદ્યાર્થીઓએ બનાવ્યા છે. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન દ્વારા વિકસિત આ સેટેલાઇટ ભારત માટે મહત્વની છે. કેમ કે, તે હિંદ મહાસાગર ક્ષેત્રમાં લશ્કરી અને મર્ચન્ટ નેવીના જહાજોની દેખરેખ રાખવા સક્ષમ છે.
આ ઉપરાંત તેના થકી ભારતની સર્વેલન્સ ક્ષમતા વધશે. સિંધુનેત્ર હિંદ મહાસાગરમા કાર્યરત થતાં હવે તમામ ગતિવિધિઓ પર વોચ રાખી શકાશે. ઇસરોના વ્યાવસાયિક લોન્ચીંગની દેખરેખ માટે એનએસઆઇએલની રચના 2019માં વિજ્ઞાન વિભાગ હેઠળ જાહેર ક્ષેત્રની કંપની તરીકે કરાઈ હતી. ચીનથી અડીને આવેલા સરહદી વિસ્તારો લદ્દાખથી લઇને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં કેટલાક સમયથી હરકતો થઈ રહી છે. તેના પર પણ અંકુશ મેળવવામાં આ સેટેલાઈટ મદદરૃપ બનશે. દક્ષિણ ચીન સમુદ્ર, એડનનો અખાત અને આફ્રિકન દરિયાકાંઠાઓ સુધીના વિસ્તારમાં ચાલતી ગતિવિધિઓ પર આ સેટેલાઈટ નજર રાખી શકશે. પીએસએલવી-સી 51 એ પહેલા પ્રાથમિક પેલોડ એમેઝોનીયા -1ને લૉન્ચ કર્યો હતો, તે પછી લગભગ અઢી કલાક પછી અન્ય ઉપગ્રહો 10 મિનિટમાં એક પછી એક લોન્ચ થયા હતા.