ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરથી જ સમાજિક ગતિવિધિઓ ઠપ થવા સાથે આર્થિક અને વેપારી ક્ષેત્રના પણ માઠા હાલ થઈ ગયા છે. આવા સંજોગોમાં સંશોધકોએ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પુરેપુરી શકયતા હોવાનુ જણાવ્યું છે. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે ચેતવણી આપીને લોકોને અને સરકારને આ માટે તૈયાર રહેવા સુચના આપી હતી. જે બાદ ગુરુવારે સુપ્રીમ કોર્ટે ફરી કેન્દ્ર સરકારને સવાલો પુછી નાંખ્યા હતા. કોર્ટે સરકારને કોરોનાની ત્રીજી લહેર માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવા નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની બેન્ચે ગુરુવારે દિલ્હીમાં ઓક્સિજનની સમસ્યા વિશે સુનાવણી કરતા કહ્યું હતુ કે, સરકાર હજી પણ દેશના જરૃરિયાતમંદ નાગરિકોને ઓક્સિજનનો પુરતો પુરવઠો પહોંચાડવામાં નિષ્ફળ જઈ રહી છે. આવા સમયે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી અપાઈ છે. આ માટે અત્યારથી તૈયારી શરૂ કરવી જોઈએ. સરકારે ઓક્સિજનનો બફર સ્ટોક રાખીને તેના વિતરણની વ્યવસ્થાને વધુ સુચારુ કરવાની આવશ્યકતા છે. આ ઉપરાંત હોમક્વોરન્ટાઈન દર્દીઓને ઓક્સિજન પહોંચાડવાની પણ જવાબદારી સરકારની રહે છે.
સરકારે ઓક્સિજન ઓડિટ કરીને તેની ફાળવણીના આધારોની સમીક્ષા કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ઓક્સિજનનો જેટલો જથ્થો મળે તે હોસ્પિટલોને પહોંચાડવો જોઈએ. આ ફક્ત રાજ્યોને ફાળવણીનો મામલો નથી. પરંતુ ઓક્સિજન હોસ્પિટલો સુધી બરાબર પહોંચે છે કે નહીં તે સુનિશ્ચિત કરવું જોઈએ.
જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે વધુમાં જણાવ્યું હતું કે, જો કોરોનાનો થર્ડ વેવ આવશે તો સરકાર દર્દીઓની સારવાર માટે મેન પાવર લાવવો મોટી સમસ્યા બની શકે છે. ફ્રેશ ગ્રેજ્યુએટ થયેલા ડોક્ટર અને નર્સને આ માટે ફરજ સોંપી શકાય તેમ છે. જો કે, સરકાર આ માટે ગંભીરતાથી પગલા લીધા હોય તેમ જણાતું નથી. અત્યારે જે ડોક્ટરો અને નર્સ કામ કરી રહ્યા છે તે લોકો થર્ડ વેવ આવે ત્યાં સુધીમાં કામના ભારણ સાથે થાકી જઈ શકે છે. દેશમાં એક લાખ ડોક્ટર અને અઢી લાખ નર્સ ઘરોમાં બેઠાં છે. તેઓ થર્ડ વેવમાં સારી ભૂમિકા ભજવી શકે છે. ૧ લાખ ડોક્ટર નીટની પરીક્ષાની રાહ જોઈ રહ્યાં છે. સરકાર પાસે આ માટે આયોજન હોવુ જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, ઘણા નિષ્ણાતો કોરોનાના ત્રીજા વેવની ચેતવણી આપી રહ્યાં છે. આ તબક્કામાં બાળકો કોરોનાથી સંક્રમિત થવા લાગશે. તેથી રસીકરણ અભિયાનમાં બાળકો માટે પણ વિચારણા કરવાનો સમય હવે આવી ગયો છે.