સમગ્ર ભારતમાં રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા ખાતર યોજાયેલી ચૂંટણીના માઠા પરિણામો નાગરિકોએ ભોગવવા પડી રહ્યા છે. કોરોના કાળમાં ચૂંટણી યોજાતા વાયરસનું સંક્રમણ આજે બેકાબૂ થઈ ચૂક્યું છે. દેશમાં 3 લાખથી વધુ કેસ નોંધાવા સાથે દરરોજ હજારો લોકોના મોતથી સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઈ છે. દેશમાં સર્જાયેલી આ સ્થિતિ માટે હવે કોર્ટમાં પણ અપીલ થવા માંડી છે. કોરોનાનાં સંક્રમણ વચ્ચે ઉત્તર પ્રદેશમાં રવિવારે પંચાયતોની ચૂંટણીની મત ગણતરીનું આયોજન હતુ. તે પહેલાં રાજ્યમાં પંચાયતોની ચૂંટણી વખતે ૭૦૦થી વધુ શિક્ષકો કોરોનાની ચપેટમાં આવી જતા મોતને ભેટ્યા હતા. આ શિક્ષકોને ચૂંટણીના કામમાં જોતરાયા હતા. તેથી હવે શિક્ષકોના મોતને મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર તેમજ ચૂંટણી પંચને ખખડાવ્યા છે. સુપ્રીમે પંચને શરતી મત ગણતરી કરવાની છૂટ આપી છે. કોર્ટે મત ગણતરી કરવા સામે સ્ટે આપવા ઈનકાર કર્યો હતો. જો કે, ૭૦૦થી વધુ શિક્ષકોનાં મોતની ઘટના બાબતે સુપ્રીમ કોર્ટે દેશના ચૂંટણી પંચના વલણની આકરી ટીકા કરતા પુછયું હતું કે, રાજ્યમાં ૭૦૦થી વધુ શિક્ષકોનાં મોત થયા છે. આ એજ શિક્ષકો છે જેમને તમે ચૂંટણીના કામ કરાવ્યા હતા. આટલા બધા મોત થયા ત્યાં સુધી તમે શું કરતા હતા ? બીજી તરફ મત ગણતરીનો બોયકોટ કરવા શિક્ષકો અને કર્મચારી સંગઠનોની ધમકીની વિવાદ વકરવાના એંધાણ છે. યુપીનાં શિક્ષકો અને કર્મચારી સંગઠનોએ સરકાર તેમજ ચૂંટણી પંચ સામે વિરોધ કરતા ચૂંટણીની મત ગણતરી ૨ મહિના સુધી નહીં કરવા માંગ કરી હતી.