વોટ્સએપની પ્રાઈવસી પોલિસીમાં ફેરફારને કારણે કેટલાક દિવસોથી યુઝર્સમાં તો કચવાટ હતો. આ સાથે જ ભારત સરકારે પણ વોટ્સએપની નીતિ સામે નારાજગી દર્શાવી હતી. સરકારે કંપનીને આ નવી પોલીસી પરત ખેંચવી પત્ર પણ લખાયો હતો. જે બાદ WhatsAppએ આ વિશે ફોડ પાડ્યો હતો. વોટ્સએપે સરકારને લેખિતમાં જણાવ્યું હતુ કે, અમારી કંપનીએ પોલિસીમાં ફેરફાર કર્યો છે તે સાચુ છે. પરંતુ તેનાથી ફેસબૂક સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં. તે આ મુદ્દે સરકારને કોઈ સંશય હોય તો તેની સ્પષ્ટતા વોટ્સએપ જરૃરથી કરશે. સરકારના કોઈપણ સવાલનો જવાબ આપવામાં કંપની ઢીલ નહીં દાખવે. મંગળવારે વોટ્સએપની પ્રાઈવસી પોલિસીની શરતોમાં ફેરફારની નીતિએ ભારત સરકારે 14 સવાલો પૂછ્યા હતા. ત્યારબાદ વોટ્સએપના એક પ્રવક્તાએ કહ્યું કે અમે એ વાતની પુષ્ટિ કરવા માગીએ છીએ કે આ ફેરફાર ફેસબુકની સાથે ડેટા શેર કરવાની અમારી ક્ષમતાને વધારતું નથી. અમારો ઉદેશ્ય પારદર્શિતા લાવીને વ્યવસાયોને જોડવા માટે નવો વિકલ્પ તૈયાર કરવાથી વિશેષ બીજો કોઈ નથી.
ગ્રાહકોની સેવામાં વધારો કરવાના હેતુથી જ કંપનીએ ડેટા શેર કરવાની પોલીસી અમલી બનાવી છે. વોટ્સએપ હંમેશા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની સાથે પ્રાઈવેટ મેસેજની ગુપ્તતા જાળવતુ રહેશે. ખુદ વોટ્સએપ ફેસબુક પણ યુઝર્સના અન્ય અંગત ડેટા જોવા રસ નહીં દાખવે. પ્રવક્તાએ વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં સરકારને મળેલી ખોટી માહિતી કે યુઝર્સને મળેલી ખોટી વિગતોની સ્પષ્ટતા વિના વિલંબે કરીશું. કોઈપણ શંકાના સમાધાન માટે કંપની ઉદારવાદી નીતિ જ અપનાવશે. આમ વોટ્સએપની નવી પોલીસને લઈને ઉઠેલા સવાલો અને યુઝર્સની નારાજગી વચ્ચે હવે સરકાર સામે કંપનીએ નરમ વલણ દાખવ્યું હતુ. જો કે, યુઝર્સના ડેટાનો ઉપયોગ ખોટી રીતે થાય છે કે નહીં તે માટે દેશ અને યુઝર્સે સમયની રાહ જોવી પડે તેમ છે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે વોટ્સએપના CEOને લખેલાં પત્રમાં લખ્યું છે કે, ભારતમાં વોટ્સએપના સૌથી વધારે યુઝર્સ છે અને વોટ્સએપ માટે ભારત સૌથી મોટું બજાર છે. નવી પોલિસીથી દૂર રહેવા યુઝર્સને વિકલ્પ આપવામાં આવ્યો નથી. તેથી ગંભીર ચિંતા ઉભી થઈ છે.