છેલ્લાં 6 મહિનાથી તેની પ્રાઈવસી પોલીસીને લઈને વિવાદમાં રહેલા વોટ્સએપે ભારતમાં વિવાદ થતાં તેની પોલીસીને હાલ પુરતી સ્થગિત કરી દીધી છે. મેસેજીંગ એપ્સ વોટ્સઅપે આજથી 6 મહિના પહેલા યુઝર્સની પ્રાઈવસી પોલીસીમાં ફેરફાર કર્યો હતો. ફેસબુકે માલિકી હક્ક લઈ લીધા બાદ આ એપના યુઝર્સનો તમામ ડેટા વાપરવાની છુટ લેવાની ધારણા કંપની રાખી રહી હતી. ભારતમાં વોટ્સએપે આ પોલીસીનો અમલ ૧૫ મેથી લાગુ કરવાની તૈયારી કરી હતી. જો કે, વોટ્સએપની આ નવી નીતિ પહેલાથી જ વિવાદમાં હતી. તેનો અનેક યુઝર્સ દ્વારા વિરોધ થઈ રહ્યો હતો. હાલ નવી પ્રાઇવસી પોલિસીને મુલતવી રાખવાનો નિર્ણય શુક્રવારે કંપનીએ કર્યો હતો. કંપનીએ કહ્યું હતુ કે, એપનો ઉપભોગતા નવી નીતિને સ્વીકારે તે જરુરી છે. આ નીતિ પ્રમાણે કંપની કોઈ યુઝર્સને નુકસાન કરી શકે તેમ નથી. કે તેના ડેટાનો અન્ય જગ્યાએ ઉપયોગ પણ કરાઈ તેમ નથી. યુઝર્સ અમારી પોલીસીને સમજે તે આવશ્યક છે. આમ છતાં અનેક યુઝર્સ વિરોધ કરી રહ્યા છે. તેથી અમે યુઝર્સને પોલીસી સમજવા લાંબો સમય મળી રહે તે માટે અમારી 15મી મેની મુદતને હાલ મૌકુફ કરી દઈએ છીએ.
એટલે કે હવે કોઈ યુઝર્સ અમારી નીતિનો સ્વીકાર હાલ નથી કરતું તો તેનું એકાઉન્ટને ડિલીટ કરવામાં નહીં આવે. આગામી કેટલાક અઠવાડીયા માટે તેને નવી પ્રાઇવસી પોલિસીનો સ્વીકાર કરવાનો સમય અપાશે. આ સમયગાળા દરમિયાન યુઝર્સને ફ્ક્ત રિમાઇન્ડર મોકલવાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કંપનીએ ૧૫ મેની સમયમર્યાદા આપી યૂઝરને પોલિસીનો સ્વીકાર કરવા વારંવાર ટકોર કરી હતી. વોટ્સઅપ નવી પોલિસી અનુસાર યૂઝર જે પણ કન્ટેન્ટ અપલોડ, સબમીટ, સ્ટોર, સેન્ડ કે રીસીવ કરે છે તેનો કંપની ઉપયોગ કરી શકે છે. અને કંપની તેને વેચી શકે છે કે કોઇ સાથે શેર કરી શકે છે. કંપનીની આ નવી પોલિસી પર કેન્દ્ર સરકાર પણ વાંધો ઉઠાવી ચુકી છે. દિલ્હી હાઇકોર્ટે પણ વોટ્સઅપની નવી પ્રાઇવસી પોલિસી સામે થયેલી જાહેરહીતની અરજીની સુનાવણી સમયે કેન્દ્ર સરકાર પાસે વોટ્સએપ-ફેસબુક પાસે ૧૩મે સુધીમાં આ અંગે જવાબ માંગ્યો છે. બીજી તરફ યુઝર્સ માટે વોટ્સએપના વિકલ્પે સિગ્નલ, ટેલીગ્રામ વગેરે જેવી અન્ય મેસેજીંગ એપ ઉપલબ્ધ થઈ ચુકી છે. તેથી પણ યુઝર્સ અન્ય એપ તરફ નહીં વળે તે માટે કંપનીએ આ પગલુ લીધુ હોવાનું મનાય છે.