ગુજરાતની ચૂંટણીમાં શબ્દોનું યુદ્ધ તેજ બની રહ્યું છે. મધુસૂદન મિસ્ત્રીના નિવેદનનો જવાબ આપતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો હતો. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. આણંદની રેલીમાં અમિત શાહે રામ મંદિરના ઉદ્ઘાટનની વાત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અયોધ્યાની ટિકિટ બુક કરાવવી જોઈએ. રેલી દરમિયાન શાહે કોંગ્રેસ પર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો.
આણંદ જિલ્લાના ખંભાતની રેલીમાં અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને વોટ બેંકની રાજનીતિ માટે ટ્રિપલ તલાક કાયદાનો વિરોધ કરવાનો આરોપ લગાવતા શાહે કોંગ્રેસને ઘેરી હતી. શાહે કહ્યું, “જો તેઓ આ બાબતોનું સમર્થન કરશે તો તેઓને તેમના મત ગુમાવવાનો ડર લાગશે. હું આશા રાખું છું કે તમે સમજી ગયા હશો કે હું કયા મતોની વાત કરી રહ્યો છું. પરંતુ તેમનો સમય પૂરો થઈ ગયો છે અને વડાપ્રધાન મોદીનો સમય શરૂ થઈ ગયો છે. રાહુલ બાબા (રાહુલ ગાંધી), અયોધ્યાની ટિકિટ બુક કરો કારણ કે ત્યાં 1 જાન્યુઆરી, 2024ના રોજ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે.’
શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવામાં કોઈ કસર છોડી નથી. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જોઈને તેમણે પટેલના વખાણ કરવા માંડ્યા છે. ભાજપના અગ્રણીએ ખંભાતની ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર પણ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યા હતા.