આજકાલ એક વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તમામ ટ્રેન સેવા પહેલી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યાની વાત કહેવાઇ રહી છે. સ્વાભાવિક છે કે અત્યારે કોરોનાને પગલે સ્પેશ્યલ ટ્રેન સેવા જ ચાલુ છે, તેને કારણે સામાન્ય મુસાફર રીઝર્વેશન કરાવ્યા વિના ટ્રેન સફર ખેડી શકતો નથી. તો શું ખરેખર પહેલી ફેબ્રુઆરીથી ટ્રેન વ્યવહાર થઇ રહ્યો છે ? હવે કોરોનાની રસી આવી ગઇ છે, પરંતુ રસીકરણ હજુ પહેલા તબક્કામાં જ છે. કોરોના હજુ પણ નાબૂદ થયો નથી. ઉલ્ટાનું તેની બીજી સ્ટ્રેઇન પણ ફેલાવા માંડી છે. એ સંજોગોમાં હજુ પણ કોરોનાની સાવચેતી રાખવી જરૂરી છે. ટ્રેન સામુહિક પરિવહનનું સાધન છે. એ સંજોગોમાં જો સાવધાની રાખવામાં નહીં આવે તો કોરોના હજુ પણ ફેલાઇ શકે છે. કોરોનાની રસી શોધાઇ છે, તેને કારણે રક્ષણ મળી શકે એમ છે. પરંતુ હજુ ફ્રન્ટલાઇન વોરિયર્સને જ રસી અપાઇ છે. આ સંજોગોમાં બધા કોરોનાથી રક્ષિત થયા નથી. કોરોનાની રસીકરણનો પ્રોગ્રામ કાંઇ એક બે દિવસનો નથી. કરોડોની વસ્તીને રસીકરણ કરવા માટે મહિનાઓ લાગી જશે. આ સંજોગોમાં કોરોનાથી આખા દેશને સુરક્ષિત કરવા માટે રસીકરણ કરવામાં ઘણો સમય જશે. જો કે રસીકરણ પૂરૂં થઇ જાય ત્યાં સુધી ટ્રેન બંધ રહે એમ લાગતું નથી. પરંતુ તત્કાળ ટ્રેન શરૂ થઇ જાય એવી સંભાવના પણ નથી.
ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોનાએ પગપેસારો કર્યો એ સાથે જ લૉકડાઉન કરવામાં આવ્યું હતું અને લૉકડાઉન સાથે સાથે ટ્રેન અને બસ સેવા પણ બંધ કરી દેવાઇ હતી. જાહેર પરિવહનનો ઉપયોગ આપણે ત્યાં વ્યાપક થવાને કારણે કોરોનાના ફેલાવાની ભીતિ આ પરિવહનમાં વધુ રહે છે અને એ સત્ય સ્વીકારીને ટ્રેન અને બસ સેવા બંધ કરી દેવાઇ હતી. હવે બસ સેવા તો ઘણા રાજ્યોમાં શરૂ થઇ ગઇ છે. સામાજિક અંતર રાખીને તથા માસ્ક પહેરીને બસમાં મુસાફરી કરી શકાય એવી ગાઇડલાઇન છે, તેનો અમલ કેટલો થાય છે, તે અલગ વાત છે. પરંતુ બસ સેવા શરૂ થઇ ગઇ છે. બીજી તરફ ટ્રેન સેવા હજુ શરૂ થઇ નથી. અત્યારે જે ટ્રેનો દોડે છે, તે ફક્ત કોરોના સ્પેશ્યલ ટ્રેનો જ દોડે છે. તમારે તેમાં મુસાફરી કરવી હોય તો રીઝર્વેશન કરાવીને જ કરવી પડે. એ સંજોગોમાં રોજિંદા મુસાફરોને ટ્રેન સેવા સામાન્ય રીતે મળતી નથી. ભલી વીડિયોમાં કહેવાયું હોય કે કોરોના પહેલાંના સમયમાં જે રીતે ટ્રેનો દોડતી હતી અને સામાન્ય મુસાફર ટીકીટ કે પાસનો ઉપયોગ કરી મુસાફરી કરી શકતો હતો, એ રીતે પહેલી ફેબ્રુઆરીથી ટ્રેનો શરૂ થઇ રહી છે. પરંતુ એ વીડિયોમાં કોઇ તથ્ય નથી.
અત્યારે કોરોના ફેલાય નહીં એ માટે સાવચેતી રાખવી જરૂરી છે. એ કારણસર જ અત્યારે ટ્રેનો શરૂ થાય એવા કોઇ સંજોગો નથી. હજુ રેલવે મંત્રાલય સ્થિતિની સમીક્ષા કરશે. એ બાદ જ્યારે કોરોનાનો ભય સાવ ઓછો થઇ ગયો જણાશે, એ બાદ ટ્રેન સેવા શરૂ થશે એમ લાગે છે.