જૈન શાસનના ઇતિહાસમાં ચંપાશ્રાવિકાએ કરેલ ૧૮૦ ઉપવાસ બાદ ૪૦૦ વર્ષના ઇતિહાસમાં મૂળ બિકાનેર હાલ બોરીવલી રહેતા શ્રાવિકા લક્ષ્મીબેન પૂનમચંદ ડાગા ઉ.વ. ૬૮ એ આ ૧૮૦ દિવસના ભિષ્મ તપની ઉગ્ર તપસ્યા કરી છે. આગામી ગુરૂવારે તેઓ આ તપનું પારણુ વની મુકામે બિરાજમાન સૂરીરામના સામ્રાજય વર્તી ગચ્છાધિપતિ પૂ. આ.વિજય પૂન્યપાલ સૂરીશ્વરજી પ.આ. વિજય મુકિતપ્રભ સૂરીશ્વરજી પૂ. આ.કિર્તિયશ સૂરીશ્વરજી, પૂજ્ય.આચાર્ય વિજય શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મહારાજા સહિત ૧૨-૧૨ આચાર્ય ભગવતોની પાવન નિશ્રામ કરશે.
જૈન શાસનમાં તપ ધર્મનું અનેરૂ મહત્વ છે. છેલ્લાં ૪૦૦ વર્ષનો ઇતિહાસ જાઇએ તો પૂ. સાધુ ભગવત અને શ્રાવકો દ્વારા ૧૮૦ ઉપવાસ થયાનો ઉલ્લેખ જાવા મળે છે. તાજેતરમાં પૂ.આ. હંસરત્ન સૂરીશ્વરજી મહારાજાએ ૧૮૦ ઉપવાસનું પારણુ કર્યુ હતું. પરંતુ શ્રાવિકા (બહેનોમાં) ૪૦૦ વર્ષ પહેલાં અકબર બાદશાહના રાજય કાળમાં ચંપાશ્રાવિકાઍ આવા ૧૮૦ દિવસના ઉપવાસ કર્યા હતા અને આ ઉપવાસ બાદ જૈન ચાર્ય જગદગુરુ હિરસૂરીશ્વરજી મહારાજાના સંપર્કમાં અકબર બાદશાહ આવ્યા હતા અને તેમણે તેમના રાજયમાં અહિંસાનું પાલન કરાવ્યું હતું અને તેમાં ચંપા શ્રાવિકાના ૧૮૦ દિવસની ભિષ્મ તપસ્યા જ કારણ ભૂત છે. હાલમાં દેશમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને વિશ્વમાં રોગ પ્રતિકારક શકિત વધારવાની વાતો વચ્ચે મૂળ બિકાનેરના હાલમાં મુંબઇ બોરીવલી વસતા ૬૮ વર્ષીય શ્રીમતી લક્ષ્મીબેન પૂનચંદ ડાગાઍ આજથી ૬ મહિના પહેલાં સૂરીરામના સામ્રાજય વર્તી પૂ. ગચ્છાધિપતિ આ.વિજય પૂન્યપાલ સૂરીશ્વરજી મહારાજા પાસે ઉપવાસના પચ્ચખાણ લઇ આ ભિષ્મ તપસ્ય શરૂ કરી હતી અને આવતી કાલે તેમનો ૧૮૦ (૬ મહિના)ના ઉપવાસનો અંતિમ દિવસ છે. તેઓનું પારણુ આગામી ગુરૂવારે સાપુતારાથી ૪૦ કિલોમીટર દૂર આવેલા અભ્યુદય પાર્શ્વતીર્થ વણી મહારાષ્ટ્ર મુકામે પૂ. ગચ્છાધિપતિ પૂન્યપાલ સૂરીશ્વરજી મહારાજા સહિત ૧૨-૧૨ જૈનાચાર્યની પાવન નિશ્રામા થશે. તેને લઇ વનીના જૈન-જૈનતર ઉપસ્થિતિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.