નવા 3 કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ખેડૂતો પહેલાથી આરોપ મુકી રહ્યા છે કે, નવા કાયદા થકી મોદી સરકાર પ્રાઈવેટ કંપનીઓને લાભ કરાવવા માંગે છે. તેથી રિલાયન્સ અને અદાણીનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન સોમવારે આંદોલનકારીઓ તથા સમર્થકોએ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓના ટાવર્સને નિશાન બનાવ્યા હતા. પરિણામે જીઓ કંપનીની મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ખોડંગાઈ હતી.
મળતા અહેવાલો મુજબ પંજાબમાં સોમવારે આંદોલનકારીઓ ખૂબ જ રોષે ભરાયા હતા. જે બાદ તેઓએ પંજાબના વિવિધ વિસ્તારોમાં બનાવાયેલા જિઓના લગભગ 1,300 મોબાઇલ ટાવરોનો વીજ પુરવઠો કાપી નાંખ્યો હતો. પંજાબમાં હાલમાં જિઓના 9,000 મોબાઇલ ટાવર્સ છે. કેટલાક સ્થળે તો ટાવર્સના ફાઇબર કેબલ કાપી નાખીને પણ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો.
મોદી સરકારે બનાવેલા 3 કૃષિ કાયદાનો વિરોધ હવે પંજાબ, હરિયાણા, યુપી તથા દિલ્હી સિવાયના રાજ્યોમાં પણ થવા માંડ્યો છે. પંજાબમાં તો ખેડુતો નવા કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. નવા કાયદામાં કૃષિ ઉપજના વેચાણમાં ખાનગી કંપનીઓને સામેલ કરવાની મોદી સરકારની નીતિ સામે આ ભડકો થયો છે. તેથી આંદોલનકારી જૂથોએ મોદીની નજીકના મનતા ઉદ્યોગકારો પૈકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી જૂથના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ પણ કરી હતી.
બીજી તરફ ઉદ્યોગોના સંચાલકોએ કહ્યું હતુ કે, જો ખેડુતો ઉત્પાદનનો બહિષ્કાર કરવા માંગતા હોય તો તેઓ Jio સિમ ન ખરીદે. શાંતિપૂર્ણ વિરોધ હોવો જોઈએ. પરંતુ કંપનીની સંપત્તિનું નુકસાન કોઈ પણ રીતે શાંતિપૂર્ણ વિરોધનું પ્રતીક હોઈ શકે નહીં. મળતી વિગતો મુજબ રજીસ્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ એસોસિએશન ઓફ ટાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ એસોસિએશનની વિનંતી પછી ગત 25 ડિસેમ્બરે પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે પણ ખેડૂત જૂથોને સામાન્ય લોકોના હિતમાં તોડફોડ ન કરવા અપીલ કરી હતી. આ સાથે જ સંયમ જાળવવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી અમરિંદરસિંહે કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન લોકો માટે ટેલિકોમ કનેક્ટિવિટી વધુ મહત્વની બની ગઈ છે. ખેડૂતો ટેલિકોમ કનેક્ટિવિટીને બળપૂર્વક અને ગેરકાયદેસર રીતે બંધ કરીને અથવા ટેલિકોમ સેવાઓનાં કર્મચારીઓ અને તકનીકીઓને માર મારીને કાયદો પોતાના હાથમાં ન લે. આવી કાર્યવાહી પંજાબ અને તેના ભવિષ્યના હિતમાં નથી. ટાવર્સનો વીજ પુરવઠો કાપવા અને ટેલિકોમ સેવામાં અવરોધ કરવાથી વિદ્યાર્થીઓના શિક્ષણને અસર થશે. તેમજ રોગચાળામાં જેઓ ઘરેથી કામ કરી રહ્યા છે તેમના દૈનિક કાર્યને પણ અસર થશે.