કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ભારે કેર મચાવી રહી છે. બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો અંગે મીડિયા સતત જાગતું રહ્યું હતું, ત્યારે રવિવારે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક આદેશ કરીને લોકડાઉન અંગે ગંભીરતાથી વિચારણા કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, અદાલત કેન્દ્ર અને રાજ્ય સરકારોને અપીલ કરે છે કે તે એવી ગતિવિધિઓ રોકે, જ્યાં વધુ સંખ્યામાં લોકો ભેગા થવાની આશંકા હોય. વાઇરસને ફેલાતો રોકવા માટે સરકાર જનહિતમાં લોકડાઉન લગાવી શકે છે. જો કે કોર્ટે એમ પણ કહ્યું કે, લોકડાઉનની સામાજિક અને આર્થિક અસર નબળા વર્ગના અને મજુરો ઉપર પડી શકે છે. એ સંજગોમાં જો સરકાર લોકડાઉન લગાવે તો આ સમુદાયના લોકોની જરૂરિયાતોને ઘ્યાનમાં રાખી એ અંગે પહેલાંથી વ્યવસ્થા કરે. અદાલતે વધુમાં કહ્યું કે, કોઇ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં દર્દીને ઓળખ પત્ર નહીં હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા કે આવશ્યક દવા આપવાની મનાઇ કરી શકાશે નહીં.
કોર્ટની ત્રણ જજોની બેન્ચે કેન્દ્ર સરકારને કહ્યું કે, તે બે અઠવાડિયામાં દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવા અંગે એક રાષ્ટ્રીય નીતિ બનાવે. કોર્ટે વધુમાં કહ્યું કે, આ નીતિ તમામ રજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે વહેચવી જોઇએ, પરંતુ જ્યાં સુધી કોઇ દર્દીને સ્થાનિક નિવાસ પ્રમાણપત્ર કે ઓળખ પત્ર ન હોય તો તેને હોસ્પિટલમાં ભરતી કરવાથી કે જરૂરી દવા દેવાની ના પાડી શકાશે નહીં. સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં એ સ્વીકાર્યું છે કે, કોવિડ 19 મહામારીની બીજી લહેર દરમ્યાન દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવું લોકો સમક્ષ એક મોટો પડકાર બની ગયું છે. કોર્ટે કહ્યું કે, લોકોને રામભરોસે જરૂરી ઉપકરણોની વ્યવસ્થા કરવા માટે છોડી દેવાય છે, જેને કારણે તેમણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અલગ અલગ રાજ્યો અને સ્થાનિક પ્રશાસન અલગ અલગ નિયમો બનાવી રહ્યા છે. જુદી જુદી હોસ્પિટલોમાં દર્દીઓની ભરતી અંગે જુદી જુદી શરત છે, જેનાથી દેશમાં અવ્યવસ્થાની સ્થિતિ પેદા થઇ છે અને અનિશ્ચિતતા વધી છે. કોઇ પણ સ્થિતિમાં આ મુદ્દે વધુ વિલંબ થવો ન જોઇએ.
રવિવારે રાત્રે પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારોની સાથે મળીને કેન્દ્ર સરકાર ઓક્સિજનનો બફર સ્ટોક બનાવે, જેથી અચાનક વધતી માંગને પહોંચી વળવામાં અછત ન અનુભવાય અને પુરવઠો નિશ્ચિત મળી શકે. ઉપરાંત જરૂર પડે ત્યારે તત્કાળ ઓક્સિજનનો પુરવઠો પહોંચાડી શકાય, એ માટે આ સ્ટોક અલગ અલગ સ્થળે કરવામાં આવે. ઉપરાંત સોશ્યલ મીડિયા પર મદદ માગનારાઓને પરેશાન નહીં કરાય એવો પણ આદેશ કર્યો છે.