ગણદેવી ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ ગોરગામના આ યુવાન કોન્ટ્રાકટર ઝાડો કાપવાના કોન્ટ્રાકટ પેટે મોટી રકમ નહિ ચુકવતા યુવાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બીલીમોરા
એકબાજુ આજે જયારે 75મોં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં દિલને કંપાવનારી એક ઘટના સામે આવી છે. ગણદેવી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પેટ વિભાગીય કચેરીમાં કોન્ટ્રાક્ટરનું કામ કરતા વલસાડ તાલુકાના ગોરગામના ૨૮ વર્ષીય યુવા કોન્ટ્રાકટરને ડીજીવીસીએલ તરફથી 25 લાખ રૂપિયાનું માતબર ચુકવણું બાકી હોય આ યુવાને આજરોજ નવસારી જિલ્લા સમાહર્તાને એક મેસેજ કરી ગણદેવી ખાતે આત્મવિલોપનની ચીમકી આપતા જ નવસારી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને યેનકેન પ્રકારે આ યુવાનને આત્મવિલોપન કરતા અટકાવ્યો હતો.

વાત એમ છે કે વલસાડ તાલુકાના ગોરગામ ના ૨૮ વર્ષીય યુવાન કોન્ટ્રકટર દ્વારા કલેકટર કચેરીને લેખિત અરજી કરી જણાવ્યું હતું કે દ.ગુ.વી.કં.પેટા વિભાગીય કચેરી ગણદેવીના ઝાડ કાપવાની કામગીરીના બિલોના નાણાં નહિ ચૂકવાતા તા.૧૫-૮-૨૦૨૧ના રોજ ગણદેવી મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. આ ચીમકી આપતા જ નવસારી પોલીસતંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.આજરોજ આત્મવિલોપનની ચીમકીને લઈ પોલીસકર્મીઓએ તેને અટકાવવાની તૈયારી કરી દીધી હતી. અને ગતરાત્રીથી જ આ યુવાનને શોધવા માટે કવાયત હાથ ધરી હતી અને તેના ગોરગામ સ્થિત યુવાનના ઘરે જઈ તેની શોધખોળ આદરી હતી. આ યુવાનના પરિવારજનો પણ ચિંતિત બન્યા હતા. અને પોલીસના સહકારથી સોશ્યિલ મીડિયામાં પણ તેને શોધવા માટે મેસેજનો મારો ચલાવ્યો હતો. પરંતુ તે મળી આવ્યો ન હતો. આજરોજ યુવાન ગણદેવી મામલતદાર કચેરીએ પહોંચતા જ આ યુવાને પોલીસકર્મીઓ દ્વારા અટકાવી તેને આત્મવિલોપન કરતા રોક્યો હતો.

અત્રે નોંધનીય છે કે ડીજીવીસીએલ કંપની દ્વારા ઝાડો કાપવા અંગેના કોન્ટ્રકટના મોટી રકમના બિલો નહિ ચૂકવતા યુવા કોન્ટ્રકટર દ્વારા લેવાયેલ આ નિર્ણય ખૂબ કંપાવનારો છે. હાલ તો આ યુવાનને પોલીસે સમજાવી આત્મવિલોપન કરતા અટકાવ્યા છે. પરંતુ ડીજીવીસીએલ દ્વારા આ યુવાન કોન્ટ્રાક્ટરનું ચુકવણું કેમ કરવામાં આવ્યું ન હતું તે પણ તપાસનો વિષય છે.