દક્ષિણ ગુજરાતમાં સુચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ વલસાડ સહિતના દ.ગુજરાતના જિલ્લાઓમાં થઇ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ચાલી રહેલું આંદોલન હવે પાટનગર ગાંધીનગર પહોંચી ગયું છે અને ગાંધીનગરમાં મળેલા વિશાળ સંમેલન દરમ્યાન કિશન પટેલ અચાનક સ્ટેજ ઉપર પ્રગટ થઇ જતાં રાજકીય ગણગણાટ જોવા મળ્યો છે. તેઓની હાજરીને લઈને લોકોમાં આશ્ચર્ય પણ થઇ રહ્યું છે. અગાઉ મળેલી બે મોટી રેલીઓમાં હાજર નહી રહેલા જણાયેલા કિશન પટેલ અચાનક જ ગાંધીનગરમાં સ્ટેજ ઉપર દ્રશ્યમાન થતા ભારે ચર્ચા ઉઠવા પામી હતી.
વલસાડના કપરાડાથી આંદોલનની ચિનગારી ફૂંકાઈ હતી અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સંગઠનો તાપી થી વાપી સુધી આ પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. વલસાડના કપરાડામાં વિરોધ રેલી દરમ્યાન અનંત પટેલ , વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ભાઈ ચૌધરી , સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર અને દાદરાનગર હવેલીના કોંગ્રેસના અગ્રણી પ્રભુ ટોકીયા, દમણના યુવા નેતા ઉમેશ પટેલ સહિત સમગ્ર દક્ષિણના આદિવાસી આગેવાનોમાં કિશન પટેલની ગેરહાજરી વર્તાઈ રહી હતી પણ આજે અચાનક તેઓ ગાંધીનગરમાં મંચ ઉપર નજરે પડતા જાણે તેઓએ સરપ્રાઈઝ આપ્યું હોય તેવી લાગણી પ્રસરી ગઈ હતી.