સામાન્ય સંજોગોમાં કોઇપણ માણસ મુખ્યમંત્રીને મળી શકે એ સારી વાત કહેવાય. એ દર્શાવે છે કે મુખ્યમંત્રીના દ્વાર બધાં માટે ખુલ્લા હોય છે. જો કે આ સ્થિતિમાં કોઈ ગુનેગાર પહોંચી જાય તો એ યોગ્ય તો ન ગણાય.
આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. કામરેજ મત વિસ્તારના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાની સાથે પૂણા ગામના ભૈયાનગરમાં રહેતો ગોરધન ઉર્ફે ગોટિયો નામનો લિસ્ટેટ બુટલેગર મુખ્યમંત્રીની ઓફિસ સુધી પહોંચી ગયો હતો.
આ બુટલેગર મુખ્યમંત્રી સાથે સમૂહ તસવીર ખેંચાવી તેમાં પણ તે સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. મુખ્યમંત્રીને તો ખ્યાલ નથી હોતો કે ધારાસભ્યની સાથે કોણ આવ્યું છે પણ ધારાસભ્યને તો એટલો ખ્યાલ હોવો જોઇએ ને કે તે કોને તેની સાથે લઈ જાય છે? એવું પણ માની લઇએ કે કદાચ ધારાસભ્યને પણ ખ્યાલ ન હોય કે તેમની સાથે આવેલો વ્યક્તિ કોણ છે. ધારાસભ્યે જે તે વ્યક્તિ સામે પગલા લેવા જોઇએ.
પૂણા પોલીસ સ્ટેશન જ નહીં પરંતુ ઉધના પોલીસ મથકની હદમાં તેમજ અન્ય પોલીસ મથકમાં પણ ગોરધન ઉર્ફે ગોટિયા સામે દારૂની સ્મગલિંગ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. આવા લિસ્ટેડ બુટલેગરને પોતાની સાથે મુખ્યમંત્રી સુધી લઈ જવામાં ધારાસભ્યને શું રસ હશે? એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.