મુંબઈની એક મહિલાએ ઝારખંડના ચાર ભાજપી નેતા પર આરોપો મુકતો સંદેશો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જ ત્યાંના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઝારખંડ મુક્તિ મોરચો તેમજ કોંગ્રેસે તરત જ આ મામલે ભાજપ પર પ્રહારો કરવાની શરૃ કરી દીધું છે. તો બીજી બાજુ ઝારખંડમાં સર્જાયેલા આ રાજકીય કમઠાણમાં બચાવ કરતા ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ કહ્યું હતુ કે પ્રશ્ન 2013ના બળાત્કારનો છે, મુંબઈ પોલીસ, સીબીઆઈએ આ વિડીયોને ધ્યાનમાં લેવો જોઈએ અને મારી વિરુદ્ધ કેસ કરવો જોઈએ. જો હેમંત સોરેનજીમાં હિંમત હોય તો કેસ કરીને ઘટનાની તપાસ કરે.
મુંબઈની યુવતીએ કરેલી એક ટ્વીટમાં ઝારખંડ ભાજપના ઝહુર આલમ, સુનીલ તિવારી, બાબુલાલ મરાંડી અને નિશીકાંત દુબે પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં યુવતીએ આરોપ મુક્યો છે કે, આ ચાર નેતાને કારણે તેની જિંદગી જોખમમાં છે, તેને ધમકી આપવામાં આવી રહી છે. જેને કારણે મહિલાને ઘણો ડર લાગી રહ્યો છે. આ વિશે યુવતીએ ફરિયાદ કરી છે. જો તેને કંઇપણ થાય છે, તો આ ચાર નેતા જબાદાર રહેશે.
મુંબઈની યુવતીએ કરેલા આ આક્ષેપોને પગલે ઝારખંડ મુક્તિ મોરચાએ ભાજપ પર હુમલો કર્યો છે. ટ્વિટના માધ્યમથી ઝારખંડ મુક્તિ મોરચાએ કહ્યું હતુ કે, ભાજપના નેતાઓના દુષ્ટ ઇરાદાઓ અને કરતુતોને આખો દેશ જોઈ રહ્યો છે.
કોઈ પણ રાજ્યમાં વહુ-દીકરીઓને ભાજપે પોતાની સમજી દુરુપયોગ કર્યો છે. ભાજપ કે તેના નેતાઓને નારી શક્તિનું ભાન સુદ્ધા નથી. કૃપા કરીને ઝારખંડ સરકાર આ વાત ધ્યાને લે.’
ઝારખંડ મુક્તિ મોરચાના આક્રમક વલણ બાદ કોંગ્રેસ પણ ભાજપ પર વરસવાનું ચુકી ન હતી. ઝારખંડ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા આલોક કુમાર દુબેએ જણાવ્યું હતું કે, ‘ભાજપે જે અસહાય છોકરીને મોહરું બનાવીને રાજ્યની ગઠબંધન સરકારને અસ્થિર બનાવવાનું કાવતરું રચ્યુ હતુ, હવે એ બીજેપી નેતાઓનો અસલી ચહેરો, ચાલ અને ચરિત્ર રાજયની જનતા સમક્ષ જાહેર થયું છે.
બ્લેકમેલ, ધાકધમકી અને દુષ્પ્રચારની આડમાં ભાજપના નેતાઓએ જે યુવતીને મોહરું બનાવી હતી, તેણે જ આ નેતાઓની કરતુત ઉજાગર કરી છે.