અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે હાલ ફાળો એકત્ર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. દેશભરમાંથી મંદિર માટે દાનનો પ્રવાહ વહી રહ્યો છે. આ દરમિયાન શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પાસે ચાંદીની ઈંટો આવી છે. અત્યાર સુધીમાં ટ્રસ્ટને 400 કિલો ચાંદીની ઈંટો દાનમાં મળી છે. તેથી સ્થળ પર હવે પછી ઈંટ મુકવાની જગ્યા પણ રહી નથી. તેને કારણે ટ્રસ્ટે રામભક્તોને હવે પછી ચાંદીની ઈંટો દાનમાં ન મોકલવા અપીલ કરી છે. બીજી તરફ બેંક લૉકર્સ પણ ભરાય જતાં ત્યાં પણ ચાંદી કે અન્ય કોઈ કિંમતી ચીજવસ્તુ રાખી શકાય તેવી સ્થિતિ નથી. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ગત અઠવાડિયે જણાવ્યું હતુ કે, ફાળો ઉઘરાવવાના કામમાં 50 હજાર ટીમો લાગી છે. 39 મહિનાઓની અંદર રામ મંદિરનું નિર્માણ થઈ જાય તેવો લક્ષ્યાંક છે. ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાના કહેવા મુજબ મંદિર નિર્માણ માટે આખા દેશથી અત્યાર સુધી 1600 કરોડ રૂપિયાથી વધારે દાન આવી ચુક્યું છે. ટ્રસ્ટના અભિયાનોમાં ઘરેઘરેથી ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. ચેક અને ઑનલાઇન માધ્યમથી પણ ફાળો લેવામાં આવી રહ્યું છે. આખા દેશમાંથી લોકો ચાંદીની ઈંટો મોકલી રહ્યા છે. હવે અમારી પાસે એટલી વધારે ચાંદીની ઈંટો થઈ ગઈ છે કે તેને સુરક્ષિત રાખવી મોટી સમસ્યા છે. તમામ બેંક લૉકર્સ પણ ચાંદીની ઈંટોથી ભરાઈ ગયા છે. રામભક્તોની ભાવનાનો અમો આદર કરીએ છીએ. પરંતુ ભક્તો પણ હવે ટ્રસ્ટની સમસ્યા સમજે. જો ચાંદીની ઈંટોની જરૂર પડશે તો શ્રદ્ધાળુઓને ફરી દાન માટે અપીલ કરાશે.