તાજેતરમાં એક પુસ્તક વાંચ્યું. લર્નિંગ ફેકટરી. નામ જોઈને એવું લાગે કે કોઇ ફેકટરીની વાર્તા હશે. કંઈક અંશે વાત સાચી પણ આ પુસ્તક દેશના સૌથી જૂના, સમૃદ્ધ, આદરણીય ઔદ્યોગિક જૂથ તાતા જૂથની નીતિ રીતિ અંગેનું છે. તાતા કેમ મહાન સંસ્થા છે એનો ખ્યાલ આ પુસ્તક પરથી આવી શકે છે. અરુણ માયરા આ પુસ્તકના લેખક છે. તેઓ તાતા જૂથ સાથે 25 વર્ષ કામ કરી ચૂક્યા છે. એમણે તાતા જૂથ સાથેના અનુભવો વર્ણવ્યા છે.
માયરાએ 1970ના દાયકાનો એક કિસ્સો વર્ણવ્યો છે. તાતા મોટર્સ તે સમયે ટેલ્કો તરીકે ઓળખાતી હતી. એન્જિનિયરિંગ પૂરું કરીને એક યુવાન મહિલાએ ટેલ્કોમાં નોકરી માટે અરજી કરી. આ અરજી કાઢી નાંખવામાં આવી. આથી પેલી મહિલા એન્જિનિયરે કંપનીના ચેરમેન જે. આર. ડી. તાતાને પત્ર લખ્યો. આથી જેઆરડીએ આ અંગે માયરાને બોલાવ્યા. જેઆરડીએ કહ્યું કે માયરા, હું ટેલ્કોની ભરતી પ્રક્રિયા અંગે માથુ મારતો નથી. પણ આ મહિલા એન્જિનિયરનું કહેવું છે કે એ વેલ ક્વોલીફાય હોવાં છતાં તેની પસંદગી થઈ નથી. તે મહિલા છે એટલે એને રિજેક્ટ કરવામાં આવી છે. આવો ભેદભાવ કેમ ?
આથી માયરાએ ખુલાસો કર્યો કે અહીં પ્લાન્ટમાં કામ કરવાનું હોય. મશીન પર હાથથી કામ કરવુ પડે. મહિલા માટે આ ઘણું કઠિન કામ છે. મહિલા માટે સુરક્ષિત નથી. વળી, મહિલા માટે અલગ ટોયલેટ પણ નથી. ફેક્ટરી એક્ટ પ્રમાણે જો મહિલા માટે અલગ ટોયલેટ ના હોય તો આપણે મહિલાને નોકરી પર રાખી શકીએ નહીં. કંપની પાસે નાણાં ઓછા છે એટલે મહિલા માટે અલગ ટોયલેટની લકઝરી હાલ પોષાય તેમ નથી.
જેઆરડીએ આખી વાત સાંભળીને અરુણ માયરાને કહ્યું કે સુમંત( ટેલ્કોના તે સમયના ચેરમેન સુમંત મુલગાંવકર) મને કહેતા હતા કે દેશભરની આઈઆઈટીમાંથી તમે શ્રેષ્ઠ યુવાન ટેલેન્ટને લાવી રહ્યા છો. માયરા સરસ કામ કરે છે. હું પણ તમને અભિનંદન આપું છું પણ આશ્ચર્ય એ વાતનું થાય છે કે તમને એવું નથી લાગતું કે મહિલા માટે અલગ ટોયલેટ નહીં બનાવીને તમે મહિલાઓને બાકાત રાખી ટેલેન્ટના એક મોટા સમૂહ સાથે અન્યાય કરી રહ્યા છો ? શું તમે એવું ઈચ્છશો કે હું સુમંતને મહિલા માટે અલગ ટોયલેટ બનાવવા નાણાં ફાળવવાનું કહું ? જેથી તમે ભરતી વધુ વ્યાપક બનાવી શકો .
માયરા લખે છે કે તેમણે જેઆરડીને કહ્યું કે આ મુદ્દે તેઓ મુલગાંવકર સાથે વાત કરશે. ત્યારપછી ટેલ્કોએ એની ભરતી પ્રક્રિયા બદલી અને જે મહિલા – સુધાએ જેઆરડીને પત્ર લખ્યો હતો એ મહિલા એન્જિનિયરને નોકરી મળી. થોડા સમય પછી એ મહિલાએ નારાયણ મૂર્તિ નામના યુવાન સાથે લગ્ન કર્યા. નારાયણ મૂર્તિ એટલે ઈન્ફોસીસના સ્થાપક ચેરમેન. નારાયણ મૂર્તિ ઘણીવખત કહે છે કે ઈન્ફોસીસ શરૂ કરવામાં જેઆરડીનો હાથ છે કારણ કે અમારી પાસે નાણાં નહોતાં ત્યારે એમણે સુધાને નોકરી આપી હતી.
જેઆરડી 50 વર્ષ તાતા જૂથના ચેરમેન રહ્યાં. તેઓ હંમેશા તેમના કર્મચારીઓ વિશે પૂછપરછ કરતા રહેતાં હતાં. તાતા સ્ટીલના પર્સોનેલ મેનેજમેન્ટનું ચાર્ટર તેમણે લખ્યું હતું. તાતા જૂથના તે સમયે 2લાખથી વધુ કર્મચારીઓ હતાં. કોઈ પણ કર્મચારી તેમને કાગળ લખી શકતો. કેટલાક કર્મચારી તો પોસ્ટ કાર્ડ પર માત્ર તેમનું નામ અને મુંબઈ એટલું જ લખતાં છતાં ટપાલ એમને મળી જતી હતી.
જેઆરડી આચરણ બતાવવામાં માનતા હતા. 1965માં પૂણેમાં તાતા એડમિનિસ્ટ્રેટીવની ઓફિસનું ઉદઘાટન હતું. કર્નલ કામા આ સેન્ટરના વહીવટી વડા હતા. જેઆરડી કાયમ સફારી શ્યૂટ પહેરતા હતાં. કાર્યક્રમ પછી જમવા માટે ડાઈનીંગ રૂમ તરફ ગયા તો ત્યાં કર્નલ કામાએ તેમને અટકાવ્યા. કારણ કે જમવા માટે ટાઈ પહેરીને જવું ફરજિયાત હતું. જેઆરડીએ કહ્યું કે તેમની પાસે ટાઈ નથી. કર્નલ કામાએ કહ્યું કે આપને આપના રુમમાં ભોજન મળી જશે. જેઆરડી ચૂપચાપ જતાં રહ્યાં અને તેમના રૂમમાં ભોજન લીધું. જેઆરડી દાખલો બેસાડવામાં માનતા હતા. વ્યક્તિ નહીં, સંસ્થા મહાન છે એ સિધ્ધ કરવા માગતા હતા. કોઈ પણ વ્યક્તિ હોય સંસ્થાના નિયમોનું બધાંએ પાલન કરવું જ પડે. તાતા જૂથની મહાનતાનું કારણ જેઆરડી જેવી વ્યક્તિઓ છે.
વેરાયટી
– લલિત દેસાઇ