મુંબઈમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અપમૃત્યુ કેસમાં ખેલાયેલા રાજકારણમાં શિવસેના-અને ભાજપ વચ્ચે આરોપોનો મારો ચાલ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ આ કેસમાં પહેલાથી તપાસ યોગ્ય રીતે થઈ રહ્યાનો દાવો કરતી રહી હતી. જયારે ભાજપ સહિતના મહારાષ્ટ્ર આઘાડી સરકારના વિરોધીઓ આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ લીપાપોતી કરી રહ્યાના આરોપો મુકતા રહ્યા હતા. આખરે આ કેસમા સીબીઆઈની એન્ટ્રી થઈ હતી. વળી આ કેસમાં સંકળાયેલા લોકો ડ્રગ્સનું પણ સેવન કરતા હોવાની એનસીબીએ તે એંગલથી પણ તપાસ આદરીને અનેક લોકોને સાણસામાં લીધા હતા. જો કે, અત્યાર સુધી આ કેસમાં સીબીઆઈ કોઈ નક્કર નિષ્કર્ષ પર નહીં આવતા ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તપાસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવતા તે અંગેનો પત્ર CBIને મોકલ્યો હતો. આ પત્રમાં સ્વામીએ લખ્યુ હતુ કે, સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ એક કેસને કારણે દેશનું રાજકારણ પણ ગરમાયું અને લોકો પણ સોશિયલ મીડિયા પર મોટા અભિયાનનો ભાગ બન્યા હતા.
સુશાંતે આપઘાત કર્યો હોવાના મહારાષ્ટ્ર પોલીસના પ્રાથમિક અનુમાન જેવું જ તારણ હજી સુધી સીબીઆઈ પણ રજૂ કરી રહી છે. જેના કારણે સુશાંતના તમામ ચાહકો ગુસ્સે જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે અગાઉ PMOને પત્ર લખી સુશાંત કેસમાં અપડેટ આપવા માંગ કરી હતી.
સુશાંત કેસમાં સ્વામીએ રજૂ કરેલી મર્ડર થિયરી પણ ઘણી ચર્ચામાં રહી હતી. જો કે, તપાસ દરમિયાન જ તેને નકારી કાઢવામાં આવી હતી. આખરે સીબીઆઈ વતી સુબ્રમણ્યમ સ્વામીને જવાબ અપાયો છે. લેખિત નિવેદનમાં સીબીઆઈએ કહ્યું છે કે, તેઓએ સુશાંત કેસમાં સઘન તપાસ હાથ ધરી છે અને દરેક પાસા પર કાળજીપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે.
તમામ પ્રકારની આધુનિક તકનીકનો ઉપયોગ આ તપાસ કાર્યવાહીમાં થયો છે. તપાસ દરમિયાન કેસ સાથે સંકળાયેલા તમામ પાસા પર નજર નંખાઈ છે. કોઈપણ દીશાની અવગણના કરાઈ નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી લઈને રિયા સામેની એફઆઈઆર સુધી દરેક મુદ્દાને ટાંકવામાં આવ્યા છે. જો કે, આ જ કેસમાં તપાસના શરૃઆતના તબક્કે આઘાડી સરકારના વિરોધીઓ કહેતા હતા કે, સુશાંતના ઘરની તપાસ યોગ્ય રીતે મહારાષ્ટ્ર પોલીસે કરી નથી. હવે સીબીઆઇએ આ અંગે પોતાનો જવાબ આપ્યો છે. પત્રમાં સ્પષ્ટપણે લખાયું છે કે દેશની શ્રેષ્ઠ ફોરસિંગ ટીમે ઘટના સ્થળનુ નિરિક્ષણ કર્યું હતુ. અમારી ટીમ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ અનેકવાર સ્થળની મુલાકાત લઈ ચુક્યા છે. તે દિવસની ઘટનાને બરાબર સમજવા પણ પ્રયાસ કરાયો છે. તે જ સમયે પત્રમાં સિમ્યુલેશન એક્સરસાઈઝનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના દ્વારા 14 જૂનની ઘટનાને યાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પત્રમાં સીબીઆઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે સુશાંત કેસમાં તેની તપાસ એકદમ વ્યાપક હતી જે ફક્ત મુંબઈ પૂરતી મર્યાદિત નહોતી. અને અલીગઢ, ફરીદાબાદ, હૈદરાબાદ, મુંબઇ, માનેસર અને પટના સુધી પણ પહોંચી હતી. સીબીઆઈએ સ્વામીને તેમના પત્ર દ્વારા સમગ્ર ઘટનાનો અને તપાસનો અહેવાલ આપ્યો છે. આ ત્રણ પાનાનો પત્ર સ્વામીને સીબીઆઈ તરફથી લખવામાં આવ્યો છે કારણ કે ભાજપના નેતાએ આ કેસ દરમિયાન સતત સીબીઆઈ તપાસની માંગ કરી હતી અને બાદમાં અનેક વખત તપાસ એજન્સી સામે સવાલો કર્યા હતા.