ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ ગત તા. ૫ ઓગષ્ટના આપેલ અંતિમ આંદોલનની નોટીસ અન્વયે કાલથી રાજ્યભરના ૫૫ હજારથી વધુ વીજ કર્મચારીઓ – ઇજનેરો આંદોલનનું રણશીંગુ ફૂંકશે.
કાલથી તા. ૩૦ દરમિયાન તમામ કંપનીની સર્કલ ઓફિસ, ડિવીઝન – સબ ડિવીઝન કચેરી ખાતે તમામ કેડરનો સ્ટાફ સૂત્રોચ્ચાર – દેખાવો કરશે અને વર્ક-ટુ-રૂલ ફરજ બજાવશે. આમ છતાં માંગણીઓ મુજબ નિવેડો નહિ આવે તો ૧લી સપ્ટેમ્બરથી તમામ કંપનીના તમામ કેડર સ્ટાફ બેમુદતી હડતાલ પર ઉતરી જશે.
માંગણીઓમાં તા. ૧૧-૮-૨૦૧૭ના રોજ સંઘ અને જીયુવીએનએલ સાથે નાયબ શ્રમ આયુકતની હાજરીમાં કરેલ ૨(પી) કરાર મુજબ મોંઘવારી ભથ્થાની ચુકવણી કરવી અને નાણાં વિભાગ દ્વારા આપેલ પત્ર તા. ૨-૧૧-૨૦૧૯ રદ્દ કરવો. સાતમા પગારપંચ અન્વયે હોટ લાઇન એલાઉન્સ અને કન્વેયન્સ એલાઉન્સ ચુકવી આપવું. જીયુવીએનએલ અને તેને સંલગ્ન તાબાની કંપનીઓમાં ફિકસ પગાર હેઠળ અલગ-અલગ કેડર હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ – અધિકારીઓના સમયગાળામાં એક તરફી ફેરફાર કરેલ હોઇ સંઘ – એસોસીએશન સાથે કરેલ કરાર મુજબ પાંચ વર્ષથી ઘટાડી અનુક્રમે ત્રણ વર્ષ (જૂની આસી./પીએ-૧/ ઇલે. આસી.) અને બે વર્ષ (ઇજનેર કેડર માટે) કરવા. જીયુવીએનએલ અને તેને સંલગ્ન તાબાની કંપનીઓમાં ફિકસ પગાર હેઠળ અલગ-અલગ કેડર હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ – અધિકારીઓને લાભ આપવા. (એ) ઉચ્ચતર પગાર ધોરણ (હાયર ગ્રેડ) (બી) સ્પેશિયલ રજાઓ-મેડિકલ રજાઓ (સી) તબીબી સારવારના લાભો (ડી) વધારાની કામગીરી માટે મહેનતાણુ (ચાર્જ એલાઉન્સ) (ઇ) સ્પર્ધાત્મક પરીક્ષા માટે રજાઓ (ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓ સબબ) કંપનીમાં એનસીવીટી જે કર્મચારીઓ પાસ કરેલ નહોતા અને હાઇકોર્ટના ચુકાદા આધિન કાયમી કરેલા છે જેઓ હાયરગ્રેડની લાયકાતો સંપૂર્ણ ધરાવે છે અને કંપની દ્વારા તાલીમમાં ન મોકલવાના કારણે તાલીમ મેળવી શકેલ નથી. તેમજ એનસીવીટી ફરજીયાત પાસ કરવાનો નિયમ સને-૨૦૦૦માં આવેલ અને સદર કર્મચારીઓ સને-૨૦૦૦ પહેલાના હોઇ એનસીવીટી પાસ કરેલ કર્મચારીઓને સદર પ્રમોશન – હાયરગ્રેડનો લાભ આપવો.
દરમિયાન સમિતિના શ્રી બી.એમ.શાહ અને બળદેવભાઇ પટેલે મુખ્યમંત્રીને તાકિદનો ગઇકાલે પત્ર પાઠવી જીયુવીએનએલ અને તેને સંલગ્ન તાબા હેઠળની કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ – અધિકારીઓ સબબ કેન્દ્ર સરકારના ધોરણે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) તાત્કાલિક જાહેર કરવા માંગણી કરી છે. પત્રમાં ઉમેરાયું છે કે, વીજ કર્મચારીઓ – અધિકારીઓના ઘણા સમયથી પડતર અગત્યના નીચે મુજબના મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવેલ ન હોઇ જે સબબ સંકલન સમિતિ દ્વારા ન્યાય સબબ આપ સમક્ષ કંપની અને કર્મચારીઓ – અધિકારીઓના હિતોને ધ્યાને રાખી રજૂઆત કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સાતમા વેતનપંચ અન્વયે તમામ મળવાપત્ર એલાઉન્સ તથા બેઝીકો સાથે સાથે એચ.આર.એ. સહ તમામ લાભ મેળવી રહ્યા છે. ઉર્જા ક્ષેત્ર હેઠળની સાતેય કંપનીમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓ – અધિકારીઓ હાલ એચ.આર.એ. તથા અન્ય લાભથી વંચિત હોઇ કર્મચારી – અધિકારીમાં વ્યાપક અસંતોષ અને રોષ ફેલાયેલ હોઇ ત્વરિત એચ.આર.એ. તથા અન્ય બાકી તમામ લાભો તાત્કાલિક જાહેર કરવા સંકલન સમિતિની વિનંતી. ગુજરાત રાજ્યની ઉર્જા ક્ષેત્ર હેઠળની કંપનીઓના કર્મચારી – અધિકારી દ્વારા કરવામાં આવેલ મહેનતથી જ દેશમાં રાજ્યની ઉર્જા કંપનીઓ એ+ રેટીંગ સાથે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી અગ્રેસર રહેલ છે. આથી સદર બાબતની જાહેરાતથી રાજ્યના ઉર્જા ક્ષેત્રની કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ – અધિકારીઓમાં ઉત્સાહ અને ઉમંગનું મોજું ફરી વળશે અને વધુ ઉત્સાહથી પોતાની ફરજો બજાવી શકશે.