સુરતના વેવાઈ અને નવસારીનો વેવાણની ભાગી જવાની ઘટનાએ 2020માં ગુજરાત ભરમાં ચકચાર મચાવી હતી. હવે આ ઘટનાને દોઢ વર્ષ બાદ અમદાવાદમાં વેવાણ અને વેવાઈના પ્રેમ સંબંધ ચર્ચાની એરણે આવ્યા છે. અમદાવાદમાં જમાઈના અવસાન બાદ વેવાણે દીકરાના લગ્ન અન્ય જગ્યાએ કરાવીને તે પોતે દીકરીના સસરા સાથે રહેવા ચાલી જતાં વિવાદ સર્જાયો હતો. આથી ખુદ તેની દીકરીએ જ 181 મહિલા અભયમ હેલ્પલાઈનને કોલ કરીને ટીમને બોલાવી હતી. જે બાદ અભયમની ટીમે વેવાણ અને વેવાઈને કાયદાની સમજ આપતા મામલો થાળે પડ્યો હતો.
ભારતમાં છેલ્લાં એક દાયકામાં લગ્નેતર સંબંધો વધ્યા છે. જેમાં ખાસ કરીને પરિણીત મહિલાઓ પરપુરુષ સાથે સંબંધો બાંધી રહ્યાનું તારણ સરવે દરમિયાન બહાર નીકળ્યું છે. તેવી પ્રતીતી કરાવતી વધુ એક ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં રહેતી એક મહિલાની સાસરે ગયેલી દીકરી ગર્ભવતી બનતા મહિલા તેના ઘરે ડિલિવરી કરાવવા ગઈ હતી. દરમિયાન તે મહિલા અને દીકરીની સસરાની આંખો મળી જતાં તે બંને વચ્ચે પ્રેમના અંકુર ફુટ્યા હતા. જો કે, શરૃઆતમાં તે વિશે કોઈને શંકા ગઈ ન હતી. બીજી તરફ એક જ ઘરમાં રહેતા વેવાણ અને વેવાઈ વચ્ચે પ્રેમ સંબંધ વધુ ગાઢ થતો ગયો હતો.
દોઢ વર્ષ પહેલા દીકરીના પતિનું દારૂ પીવાની ટેવને કારણે અવસાન થયું હોય, તેથી દિકરી તે બંનેના પ્રેમસંબંધમાં બાધારૃપ નહીં બને તે માટે મહિલાએ તેની દીકરીના લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધા હતા. જે બાદ તે મહિલા અને વેવાઈ એકસાથે રહેવા લાગ્યા હતા. બીજી તરફ દીકરીને બીજીવારના સાસરીયાઓ દ્વારા પણ ત્રાસ અપાતા તે કંટાળીને પોતાની માતાના ઘરે આવી હતી. જો કે, તેણીએ તેની માતા અને તેના પૂર્વ સસરા એકસાથે રહેતા હોવાનું જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ તેણે આ બાબતે વિરોધ કરતા આપઘાત કરવા ચીમકી આપી હતી. આમ છતાં વેવાઈ અને વેવાણ છુટા પડવા તૈયાર ન હતા. આખરે દિકરીએ અભયમ હેલ્પલાઈન 181માં ફોન કરીને મદદ માંગતા ટીમ ત્યાં પહોંચી હતી. આખરે હેલ્પલાઈનના કાઉન્સીલરોની મદદથી વેવાઈ અને વેવાણને કાયદાકીય કાર્યવાહીની સમજણ આપવામાં આવી હતી. આખરે વેવાઈ અને વેવાણ અલગ રહેવા સમંત થઈ જતા હાલ મામલો થાળે પડી ગયો છે. 181ની ટીમે વેવાઈને વૃદ્ધાશ્રમમાં જવા પણ સલાહ આપી હતી.