રાજ્યમાં સરકાર બદલાતા જ સીએમઓમાં રહેલા અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. હવે રાજ્યમાં લાંબા સમય બાદ ગૃહ મંત્રી બદલાયા હોવાથી પોલીસ બેડામાં મોટા ફેરફારો થવાની સંભાવના વધી ગઇ છે. સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંધવી ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ હવે રાજ્યમાં પીઆઇ, ડીવાયએસપી અને આઇપીએસ અધિકારીઓની બદલીને લઇને ચર્ચા ચાલી રહી છે. પોલીસ વિભાગના સૂત્રોનું માનીએ તો 10 દિવસમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવશે. આ તમામ બદલીઓ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તેવી પણ સંભાવના છે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રોની વાત માનીએ તો હર્ષ સંઘવી ભલે ગૃહમંત્રી હોય પરંતુ આ બદલીઓમાં સૌથી મોટી ભૂમિકા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ભજવશે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કેટલાક મોટા અધિકારીઓને સાઇડલાઇન કરીને નવા અધિકારીઓની નવી ફોજ ઉભી કરવામાં આવી શકે છે. આમ, તો રાજ્યમાં 5 બ્રાન્ચ મહત્ત્વની છે. એવું કહેવાય છે કે આખું રાજ્ય હેન્ડલ કરવામાં આવે છે. ગુજરાત એટીએસ રાજ્યના મોટા ઓપરેશન પર સીધું ઇન્વોલમેન્ટ રાખે છે. બીજું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે જે તમામ મોટા ઓપરેશન પાર પાડે છે. આ સિવાય રાજકોટ, સુરત અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પણ મોટા ફેરબદલ જોવા મળે તેવી સંભાવના છે.