રવિવારે જનતા દળ યૂનાઇટેડના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. જેમાં આરસીપી સિંહ JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. જે બાદ તરત જ રામચંદ્ર પ્રસાદ સિંહે ઇશારામાં અરૂણાચલ પ્રદેશની ઘટનાને લઇને બીજેપી પર પ્રહાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતુ કે, અમે અમારા સહયોગીઓની વિરુદ્ધ કોઈ ષડયંત્ર નથી રચતા અને દગો પણ આપતા નથી.
અરૂણાચલ પ્રદેશમાં જેડીયૂના સાતમાંથી 6 ધારાસભ્યોએ પાર્ટી બદલીને બીજેપીનું શરણુ લેતા જેડીયુમાં ભારે નારાજગી છે. બિહારની રાજધાની પટનામાં જેડીયૂ (JDU)ની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં રવિવારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના રાજ્યસભા સાંસદ આરસીપી સિંહને તેમના ઉત્તરાધિકારી પસંદ કરાયા હતા.ખુદ નીતિશ કુમારે જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે આરસીપી સિંહના નામનો પ્રસ્તાવ રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ સમક્ષ મુક્યો હતો. જે સર્વસંમતિથી પસાર થઈ ગયો હતો. જે પછી જેડીયુના પ્રમુખ આરસીપી સિંહે કહ્યું હતુ કે, “અમે જેમની સાથે રહીએ છીએ, સંપૂર્ણ ઈમાનદારી સાથે રહીએ છીએ.
બિહાર ચૂંટણીમાં સહયોગીના વોટ જેડીયૂમાં ટ્રાન્સફર નથી થયા. પરંતુ અમારા વૉટ સહયોગી પાર્ટીના ઉમેદવારને ચોક્કસ જ મળ્યા છે. ગંદી રાજનીતિને કારણે ભાજપની બેઠકો વધી છે. અરૂણાચલમાં જેડીયુના 6 ધારાસભ્યો ભાજપમાં ચાલ્યા ગયા છે. જે દુખદ બાબત છે. પરંતુ, અમારા આ સંસ્કારને કોઈ કમજોરી ના સમજે, અમારા સંસ્કારો ઘણા મજબૂત છે. કોઈ હલાવી શકે તેમ નથી.” તેમણે કહ્યું કે, “અમે પાર્ટીને આગળ વધારવા માટે કામ કરીશું અને અમારી જવાબદારીને સારી રીતે નિભાવીશું.” આ પહેલા જેડીયૂના મહાસચિવ સંજય ઝાએ સ્પષ્ટ કહ્યું હતુ કે, “આજની બેઠકમાં દરેક મુદ્દા પર ચર્ચા થશે. અરૂણાચલના મુદ્દા પર પણ વાત થશે, પરંતુ અરૂણાચલની ઘટનાની અસર બિહારમાં નહીં દેખાય.
અમારું ગઠબંધન બિહારમાં છે. સરકાર 5 વર્ષ સુધી ચાલશે. આ 5 વર્ષમાં કોઈના માટે કંઈ જ સંભાવના નથી.” અરૂણાચલમાં અમારા ધારાસભ્યોનું તેમને સમર્થન હતુ. તો પછી તેઓને ભાજપમાં કેમ સામેલ કરાયા તે પાર્ટી માટે તપાસનો વિષય છે. વિરોધીઓ પાસે આવી છીછરી હરકત કરવા સિવાય બીજુ કામ નથી. કિન્તુ હવે અમે દેશના અન્ય રાજ્યોમાં ભાજપ સામે પણ લડતા રહીશું.