દુનિયામાં કોરોના વાયરસની મહામારી સાથે સંકળાયેલી અનેક ઘટના આશ્ચર્યજનક પણ લેખાવાઈ રહી છે. મહામારીમાં અનેક કરુણાંતિકા પણ સર્જાઈ રહી છે. જો કે, સમગ્ર ઘટનાને આજે પણ લાખો લોકો નસીબમાં જે લખાયું હોય તે બનીને જ રહેતું હોય છે તેમ માને છે. બ્રિટનની 55 વર્ષની મહિલાના મોત સાથે પણ લોકો આવું જ માની રહ્યા છે. ડેબ્રા શો નામની આ મહિલા કોરોનાથી સંક્રમિત છે કે નહીં તે આજપણ અનેક સવાલોથી ઘેરાયેલી બાબત છે. કોરોના કાળમાં તે સતત કોરોનાનો ટેસ્ટ કરાવતી રહી હતી. લગભગ 10 વખત તેનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો હતો. જો કે, તે પછી ડેબ્રા શોને ર્હિનયાના ઓપરેશન માટે રોયલ સ્ટોક યુનિર્વિસટી હોસ્પિટલમાં દાખલ હતી. ઓપરેશન બાદ તે સ્વસ્થ થઈ રહી હતી પરંતુ અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ્ થઈ હતી. આખરે તે કોમામાં સરી પડતાં પરિવાર અને તબીબો ચિંતામા મુકાયા હતા. જે બાદ બે અઠવાડિયા પછી તે મહિલાએ સારવાર દરમિયાન જ દમ તોડ્યો હતો.
ડેબ્રાને કોવિડ ફ્રી વોર્ડમાં રાખવામાં આવી હતી. મહિલાનુ મોત થતાં હોસ્પિટલ દ્વારા તેના પરિવારને જાણ કરીને બોલાવાયા હતા. પરંતુ મોતની તપાસ દરમિયાન મોતનું કારણ કોવિડ-19 નીકળતા જ મહિલાના પરિવારજનોના હોશકોશ ઊડી ગયા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં સવાલ કર્યો હતો કે, જો ડેબ્રાનું મોત કોવિડથી થયું છે તો તેને સારવાર દરમિયાન કોવિડ ફ્રી વોર્ડમાં કેમ રખાયા હતા. જો કે, મહિલાના પરિવારને આ સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી. ડેબ્રા શોના પુત્રએ મીડિયાને જણાવ્યું હતુ કે જ્યારે મમ્મીને શ્વાસ લેવામાં તકલીફ્ શરૂ થઈ ત્યારે દરરોજ તેમનો કોરોના ટેસ્ટ કરાતો હતો. જે નેગેટિવ આવતો હતો. તેમના ફેફ્સાંનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતુ. જેમાં કોરોના વાઇરસ ન હતો તેવું નિદાન થયું હતુ.
પરંતુ તેમનું મોત થયા બાદ તેના કારણમાં કોરોના દર્શાવાતા અમે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અમને પીપીઇ કિટ કે જરૂરી સુરક્ષા વગર મારી મમ્મીને મળવા દેવાયા હતા. જેથી હવે જો મમ્મીને કોવિડ થયો હોય તો પરિવારના અન્ય સભ્યોમાં પણ તેનું સંક્રમણ થયું હોવાની શકયતા છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં પણ બન્યો હતો. જેમાં એક 80 વર્ષની મહિલાને કોરોના વાઇરસના ગંભીર લક્ષણો હતા. આમ છતાં તેના તમામ રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા હતા. ડોક્ટરોએ તેમનો ચાર વખત ટેસ્ટ કર્યો હતો અને તે બધી વખત નેગેટિવ આવી હતી.