કોવિડની સ્થિતિમાં ઓફિસોમાં કામ કરતી મહિલાઓની માનસિક સ્થિતિ કફોડી થઈ રહી છે. ઘરની જવાબદારીઓ અને ઓફિસનું કામ એમ બેવડા કામના ભારણથી તેની મુશ્કેલી વધી છે. પરિણામે ભારતમાં આ પ્રકારે કામ કરતી મહિલાઓને હવે જોબ સેટિસ્ફેક્શન થઈ રહ્યું નથી. કોરોના કાળમાં ભારતમાં ૨૬ ટકા વર્કિંગ વુમન હવે પોતાના નોકરી છોડવા માટે વિચારવા માંડી છે. આંતરરાષ્ટ્રીય ફર્મે વર્િંકગ વુમન્સ અંગે કરેલા સરવેને બુધવારે જાહેર કર્યો હતો. ૧૦ દેશોની ૫૦૦૦ મહિલાઓ સાથે વાત કર્યા પછી સરવેના તારણો કાઢવામાં આવ્યા છે. ૫૦૦૦ મહિલાઓમાં ૫૦૦ ભારતીય મહિલાઓએ પોતાના અભિપ્રાયો આપ્યા છે.
આ સરવેમા સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, ૫૧% યુવતીઓ અથવા તો મહિલાઓ પોતાના કરિયરને લઈને ઓછી આશાવાદી છે. ડેલૉઈટ ઈન્ડિયાના સહયોગી મોહનીશ સિંહાએ એવો મત વ્યક્ત કર્યો છે કે, ભારતીય વર્કિંગ વુમન્સને વિકટ મનોસ્થિતિમાંથી બહાર લાવવા માટે ભારતમાં કાર્યરત સંસ્થાઓએ તેની કાર્યશૈલીમાં ફેરફાર કરવો પડશે. કચેરી અને ઓફિસોમાં અધિકારીઓએ એવો માહોલ ઉભો કરવો જોઈએ કે જેમાં સૌકોઈ ચિંતામુક્ત થઈને કામ કરી શકે. ભારતીય વર્કિંગ વુમન્સ પર અગાઉ પણ સર્વે કરાયા છે. જેમાં ભારતીય સમાજ વ્યવસ્થાને કારણે મહિલાઓ પોતાનું ઓફિસનું કામ અને અન્ય કોઈ રોજગારની તક જતી કરવા વિચારી રહ્યાનું બહાર આવ્યું હતુ. મહિલાઓએ ઘરના કામો સાથે નોકરી કરવાની હોય છે. મોટાભાગના કિસ્સામાં મહિલા પરિણીત હોવા છતાં પુરુષ તેને મદદ કરી શકતો નથી. તેથી વર્કિંગ વુમન્સ પર કામનું ભારણ વધી જાય છે. આ ઉપરાંત મહિલાઓએ બાળકો અને પરિવારના સારસંભળાની જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે. કોરોના મહામારીના કારણે મહિલાઓ પર ઘર, બાળકો અને ઘરના સભ્યોની સાર-સંભાળ ઉપરાંત ઓફિસના કામનો બોજો આવી ગયો છે, જેને કારણે તેમની શારીરિક અને માનસિક સ્થિતિ પર વિપરીત અસર પડી રહી છે. આ જ કારણ છે કે, દર ચારમાંથી એક ભારતીય મહિલા પોતાનું કામ છોડવા વિશે વિચારવા માંડી છે.
ઘરના પુરુષોની મદદ પણ મહિલાઓ માટે મોટી રાહત સર્જી શકે છે. જો ઘરની મહિલા પતિ કરતા વધુ કમાણી કરવા માંડે તો પણ અનેકવાર પારિવારિક સમસ્યા સર્જાય છે. ઓફિસોમાં કેટલીકવાર પુરુષ સહકર્મચારીઓ મહિલાઓ ઓફિસનું કામ યોગ્ય રીતે નથી કરી શકતી તેવી ટીપ્પણી કરતા હોય છે. જેના કારણે પણ મહિલાઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેના પતિના આત્મસન્માનને ઠેસ પહોંચે છે અને તેને પત્ની નોકરી કરે તે પસંદ નથી આવતું. જે ઘરેલું કજિયાના કારણ બને છે.