ક્રિકેટમાં દરેક ફોર્મેટમાં હવે ચેમ્પિયન ટીમ આવવા લાગી છે. વન-ડેમાં વર્લ્ડ કપ રમાય છે તો ટી20માં પણ વર્લ્ડ કપ રમાય છે. આ ઉપરાંત એશિયા કપ જેવા વિવિધ પ્રાંતિય ટાઇટલ તો ખરાં જ પરંતુ અત્યાર સુધી એ ખબર પડતી ન હતી કે ખરેખર ટેસ્ટ ચેમ્પિયન કોણ? 1970ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝને નિર્વિવાદપણે ચેમ્પિયન માનવામાં આવતું હતું કેમ કે ક્લાઇવ લોઇડની ટીમે લગભગ તમામ દેશમાં જઈને હાહાકાર મચાવી દીધો હતો. આવી જ રીતે ત્યાર પછીના ગાળામાં સ્ટિવ વોની ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પિયન માનવામાં આવતી હતી. 1930 અને 1940ના દાયકામાં ડોન બ્રેડમેનની ટીમ ઇન્વિન્સિબ કહેવાતી હતી તેવી જ રીતે સ્ટિવ વોની ટીમને પણ અજેય માનવામાં આવતી હતી. 2000ની સાલની આસપાસ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના વર્ચસ્વનો અંત આણ્યો હતો. આ ગાળામાં ભારતને પણ વિશ્વની મોખરાની ટીમનો દરજ્જો સાંપડ્યો હતો. મહેન્દ્રસિંહ ધોની અને કેટલાક અંશે વિરાટ કોહલીએ આ સિલસિલો આગળ ધપાવ્યો છે પરંતુ તેમ છતાં સત્તાવાર રીતે કોઈ ટીમને ક્યારેય વર્લ્ડ ચેમ્પિયન કહેવાઈ નથી.
આઇસીસીના ટેસ્ટ ક્રિકેટ ક્રમાંકમાં પહેલા નંબરે હોય તે ટીમને ટોચની ટીમ કહેવાય પણ આ દરજ્જો એકાદ મેચ કે સિરીઝ બાદ છીનવાઈ જતો જોવા મળ્યો છે. એક ટેસ્ટ કે એક સિરીઝમાં ખરાબ દેખાવ કરે અને ટીમ પહેલા ક્રમેથી ફેંકાઈ જાય. દરેક ટીમની આવી હાલત હોય છે. આ સંજોગોમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો નિર્ણય લીધો અને તેમાં પોઇન્ટ સિસ્ટમ અમલી બનાવી. સૌથી વધારે પોઇન્ટ ધરાવનારી ટીમ ફાઇનલમાં રમે અને તેમાં જીતનારી ટીમ ચેમ્પિયન બને આ પ્રકારનો સાવ સરળ હેતુ હતો પરંતુ કોરોનાને કારણે પરિસ્થિતિ બદલાઈ અને નિયમોમાં ફેરફાર કરવા પડ્યા. ભારતીય ટીમ એક સમયે અન્ય તમામ કરતાં જોજનો આગળ હતી પરંતુ પોઇન્ટ સિસ્ટમમાં ટકાવારીનું તત્વ ઉમેરાતા ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું અને તેને પણ ફાઇનલમાં પ્રવેશતા અગાઉ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આખરે ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી દીધો. ભારત અને ન્યૂઝીલેન્ડ 18મી જૂને ઇંગ્લેન્ડના સાઉથમ્પટનના હેમ્પશાયર બાઉલ ખાતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપની ફાઇનલમાં ટકરાશે. અગાઉ ફાઇનલ મેચ લોર્ડ્ઝના ઐતિહાસિક મેદાન પર રમાનારી હતી પરંતુ છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વને કોરોના નડી ગયો છે અને તેને કારણે આ ફાઇનલ લંડનના લોર્ડઝને બદલે હેમ્પશાયરમાં ખસેડવામાં આવી છે. બંને ટીમ મજબૂત છે પરંતુ તેમ છતાં હજી પણ તેમના માટે માર્ગ આસાન નથી. ફાઇનલ અગે અત્યારથી કોણ ફેવરિટ છે તે કહી શકાય તેમ નથી. જું બંને ટીમ પહેલી વાર તટસ્થ મેદાન પર રમવા જઈ રહી છે. ઇંગ્લેન્ડના હવામાનનો ફાયદો (અને ગેરફાયદો) બંને ટીમ માટે સમાન રહેશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ હેઠળ છેલ્લા બે વર્ષમાં (કોરોના હોવા છતાં) વિશ્વભરમાં કુલ 21 ટેસ્ટ સિરીઝ રમાઈ હતી અને આ તમામ સિરીઝના પરિણામોને અંતે ભારત અને ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતીય ટીમ તો પહેલેથી જ મોખરે હતી પરંતુ ન્યૂઝીલેન્ડ માટે આમ કહી શકાય નહીં કેમ કે તેના કરતાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પાસે સારી તક હતી પરંતુ ઓસ્ટ્રેલિયા આ મામલે કમનસીબ રહ્યું તેમ કહી શકાય. મેચ જીતવાની ટકાવારીની રીતે જોઇએ તો ભારત પછી ઓસ્ટ્રેલિયાનો બીજો ક્રમ આવે છે. ભારતે પણ છેક છેલ્લે ઇંગ્લેન્ડને હરાવીને મોખરાનો ક્રમ હાંસલ કર્યો પરંતુ એ અગાઉ કાંગારું ટીમનો ફાઇનલ પ્રવેશ લગભગ નિશ્ચિત હતો. આ સંજોગોમાં તેને એક સિરીઝ રમવાની બાકી હતી. ફેબ્રુઆરી 2021માં સાઉથ આફ્રિકાના પ્રવાસ માટેની ટીમ પણ જાહેર થઈ ગઈ હતી પરંતુ સાઉથ આફ્રિકાના કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં નહી રમવાનો નિર્ણય લીધો. તેને ખબર હતી કે આ નિર્ણય તેને ફાઇનલમાંથી બહાર કરી શકે છે પરંતુ કોરાના સામે કાગારું ક્રિકેટ બોર્ડ લાચાર હતું અને તેમણે ફાઇનલની તકો જતી કરી દીધી.
ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 1.392 હતી જ્યારે ભારતની ટકાવારી 1.577 છે, ન્યૂઝીલેન્ડ પણ ઓસ્ટ્રેલિયા કરતાં પાછળ છે.
હવે ભારત અને ન્યૂઝીલેન્ડની ચર્ચા કરીએ તો ભારતે આ બે વર્ષના ગાળામાં કુલ છ સિરીઝમાં ભાગ લીધો હતો અને તેમાંથી તેણે પાંચ સિરીઝ જીતી હતી. આમ પરિણામની રીતે પણ તે ફાઇનલનું હકદાર હતું. ભારતે આ ગાળામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 17 ટેસ્ટ રમી હતી અને તેમાંથી 12 મેચમાં તેનો વિજય થયો હતો તો ચાર મેચમાં તેનો પરાજય થયો હતો. આ ચાર મેચમાંથી બે મેચ ગયા વર્ષે ન્યૂઝીલેન્ડમાં, એક ટેસ્ટ એડિલેડમાં અને ઇંગ્લેન્ડ સામેની ચેપોક ખાતેની પહેલી ટેસ્ટમાં થયેલા પરાજયનો સમાવેશ થાય છે. ખૂબીની વાત તો એ છે કે આ ગાળામાં ભારત માત્ર એક જ ડ્રો ટેસ્ટ રમ્યું છે જે સિડની ખાતે રમાઈ હતી. એડિલેડમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થયા બાદ તરત મેલબોર્નમાં વિજય હાંસલ કર્યા બાદ રહાણેની ટીમે સિડનીમાં મેચ ડ્રો કરાવવામાં સફળતા હાંસલ કરી હતી.
એમ કહેવામાં જરાય અતિશયોકિત નથી કે ઓસ્ટ્રેલિયન ટીમ ખસી જતાં કિવિ ટીમને લાભ થયો છે પરંતુ સાથે સાથે એ પણ કબૂલવું પડે કે કેન વિલિયમ્સનની ટીમ ફાઇનલની હકદાર પણ હતી કેમ કે તેણે પણ શાનદાર દેખાવ કર્યો છે. ન્યૂઝીલેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની કુલ પાંચ સિરીઝ રમી હતી અને તેમાંથી ત્રણ સિરીઝમાં તેનો વિજય થયો હતો. આમ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના 520ની સરખામણીએ 420 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી હતી જ્યાં તેની જીતની ટકાવારી 1.281ની રહી હતી જે ઓસ્ટ્રેલિયા કરતાં પાછળ કહેવાય પરંતુ ચોથા ક્રમની ઇંગ્લેન્ડની ટીમ (1.12) કરતાં બહેતર હતી. ન્યૂઝીલેન્ડે આ ગાળામાં 11 ટેસ્ટ રમી હતી અને તેમાંથી સાત મેચમાં તેનો વિજય થયો હતો તો ચાર ટેસ્ટ તેણે ગુમાવવી પડી હતી.
સ્પોર્ટ્સ કોર્નર
સિધ્ધાર્થ ત્રિવેદી