• Mon. Mar 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

આ દેશમાં 100થી વધુ વિદેશીઓને આપવામાં આવી ફાંસી, કયા ગુનામાં તેમને વધસ્તંભે ચડાવવામાં આવ્યા અને કેટલા ભારતીયોને મોતની સજા મળી? જાણો…

આ વર્ષે સાઉદી અરેબિયામાં 100 થી વધુ વિદેશીઓને ફાંસી આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએફપીએ એક માનવાધિકાર સંગઠનને ટાંકીને આ માહિતી આપી છે. આ આંકડો છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં લગભગ ત્રણ ગણો વધારે છે.

શનિવારે, નઝરાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક યમન નાગરિકને ડ્રગની દાણચોરીના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. આ પછી, આ વર્ષે મૃત્યુદંડની સજા પામેલા વિદેશીઓની કુલ સંખ્યા વધીને 101 થઈ ગઈ છે.

સાઉદી અરેબિયાએ વર્ષ 2022 અને 2023માં 34 વિદેશી નાગરિકોને મોતની સજા સંભળાવી છે. યુરોપીયન-સાઉદી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ, ESOHR ના કાનૂની નિર્દેશક તાહા અલ-હાજીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ એક વર્ષમાં આટલા વિદેશીઓને ફાંસી આપી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર ફાંસીની સજાની બાબતમાં ચીન અને ઈરાન પછી સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે છે.

જે વિદેશી નાગરિકોને ફાંસી આપવામાં આવી છે તેમાં પાકિસ્તાન, યમન, સીરિયા, નાઈજીરિયા, ઈજિપ્ત, જોર્ડન અને ઈથોપિયાના નાગરિકોનો સમાવેશ થાય છે. જેમાં પાકિસ્તાનના 21, યમનના 20, સીરિયાના 14, નાઈજીરિયાના 10, ઈજીપ્તના નવ, જોર્ડનના આઠ અને ઈથોપિયાના સાતનો સમાવેશ થાય છે. સુદાન, ભારત અને અફઘાનિસ્તાનના ત્રણ-ત્રણ અને શ્રીલંકા, એરિટ્રિયા અને ફિલિપાઈન્સના એક-એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી.

રાજદ્વારીઓ અને કાર્યકરો કહે છે કે વિદેશી પ્રતિવાદીઓને ન્યાયી ટ્રાયલ મળતું નથી. દોષિત વિદેશી નાગરિકો મોટા ડ્રગ ડીલરોનો શિકાર બને છે. ધરપકડના સમયથી લઈને ફાંસી સુધી આરોપીઓને કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.