કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સામે છેલ્લાં કેટલાક દિવસોથી સીએમ પદની ખુરશી ખાલી કરવાને લઈને અટકળો ચાલી રહી હતી. આ દરમિયાન રવિવારે તો ખુદ ભાજપ અધ્યક્ષ નડ્ડાએ તેમને હટાવવાની વાતને નકારી કાઢી હતી. નડ્ડાના આ દાવા બાદ માત્ર 24 કલાકમાં જ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત કરી દીધી હાત. તેમણે કહ્યું હતુ કે, હું આજે સાંજ સુધીમાં ગવર્નરને મળીશ અને તેમને રાજીનામું સોંપીશ. હજી પણ મારે કર્ણાટકના લોકો માટે કામ કરવું છે. તમામ લોકો એકસાથે મહેનત કરશે એટલે કર્ણાટકની પ્રગતિ થશે. તેમણે ઉમેર્યું હતુ કહ્યું કે, તેઓ હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થતા રહ્યા છે. હવે કેન્દ્રીય નેતૃત્વ જે નક્કી કરશે તે પ્રમાણે તેઓ કાર્ય કરશે. યેદિયુરપ્પાના રાજીનામાની અટકળો તેજ હતી ત્યારથી લિંગાયત સમુદાયના લોકોની બી.એસ. યેદિયુરપ્પા સાથેની મુલાકાતો ચાલુ રહી હતી.
મળતી વિગતો મુજબ યેદિયુરપ્પાએ 16 જુલાઈના દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અચાનક થયેલી આ મુલાકાતે યેદિયુરપ્પાના રાજીનામાની અટકળો તેજ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. હવે કર્ણાટકમાં 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. યેદિયુરપ્પાને લિંગાયત જાતિના કદાવર નેતા તરીકે માનવામાં આવે છે. આ ઉપરાંત કર્ણાટકની રાજનીતિના ધુરંધર ગણાતા યેદિયુરપ્પા 15 વર્ષથી કર્ણાટકની રાજનીતિના સક્રિય નેતા છે. જયારે તેમની સામે કૉંગ્રેસ કે અન્ય પાર્ટી પાસે કોઈ નેતા નથી. ઉલ્લેખનીય છે કે 2018ની વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં કૉંગ્રેસ-જેડીએસની સરકાર બની હતી, પરંતુ આ સરકાર એક વર્ષ ચાલી શકી હતી અને બાદમાં બી.એસ. યેદિયુરપ્પાની આગેવાનીમાં બીજેપીએ સરકાર બનાવી હતી. કર્ણાટકમાં આજે જ ભાજપા સરકારને 2 વર્ષ પૂર્ણ થયા છે. હવે ભાજપ કર્ણાટકમાં યેદુરપ્પાને કઈ કામગીરી સોંપવા માંગે છે તે અંગે અટકળો ચાલી રહી છે.