સરકાર માર્ગ સુરક્ષા વધારવા માટે અનેક નિયમો બનાવી રહી છે. જો કે તેનો બોજો આખરે તો ગ્રાહક પર જ આવતો હોય છે. છતાં આપણે મુસાફરી કરતા હોઇએ ત્યારે આપણી સુરક્ષા પરિવાર માટે મહત્વની હોય છે. હવે વધુ એક નિયમ સરકાર લાવી રહી છે, જે મુજબ 31 ડિસેમ્બર 2021 પહેલાં તમારી કારમાં ફ્રન્ટ સીટ પર એરબેગ હોવી ફરજિયાત કરી છે. એમ તો નવી કારમાં નિયમો બનેલા જ છે, એ મુજબ 1 એપ્રિલથી નવી કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જક માટે એરબેગ ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમને પગલે હવે કાર નિર્માતા કંપનીઓએ દરેક કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર તથા ડ્રાઇવર માટે એર બેગ આપવી શરૂ કરી છે. સ્વાભાવિક છે કે નામ પ્રમાણે આ બેગ હવાથી ભરેલી હોય છે. સામાન્ય સંજોગોમાં તેમાં હવા હોતી નથી. પરંતુ સ્ટિયરિંગમાં અને બાજુની બેઠકમાં ડેશબોર્ડ પર આ એરબેગ ફીટ કરેલી હોય છે. અકસ્માત થાય એ સાથે જ એ બેગમાં હવા ભરાઇને બહાર આવી જતી હોય છે. અકસ્માત થાય ત્યારે ડ્રાઇવર તથા આગળ બેઠેલી વ્યક્તિના માથાને ઇજા થતી અટકે છે. એરબેગને કારણે માથું ભટકાતું બચી જાય છે.
યાદ રહે કે દુનિયાના 1 ટકા વાહનો ભારતમાં છે. મતલબ કે દુનિયાની સરખામણીએ ભારતમાં વાહનો ઓછા હોવા છતાં અકસ્માતમાં થતા મૃત્યુનો આંક વધુ છે. દુનિયામાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાંથી 13 ટકા મૃત્યુ ભારતમાં થતા હોય છે. આ કારણે એરબેગ ફરજિયાત કરવાની માંગ ઉઠી છે, જેને કારણે સુરક્ષામાં વધારો થઇ શકે. પહેલાં નવી જુની કારમાં સપ્ટેમ્બર સુધીમાં એરબેગની સુવિધા કરવાની હતી. પરંતુ કોરોનાને કારણે કેટલાક પાસાઓને ધ્યાનમાં રાખીને સરકારે હવે એ મુદત 4 મહિના વધારી આપી છે. હવે 31 ડિસેમ્બર સુધીમાં આગલી બેઠક માટે એરબેગ ફરજિયાત કરી છે. આ નિયમ પહેલી એપ્રિલથી લાગુ જ કરાયો હતો. પરંતુ તેના અમલ માટે સરકારે હવે ડિસેમ્બરના અંત સુધીની છુટ આપી છે. ખાસ તો જુની કારમાં એ સુવિધા કરવા માટે સમય આપવો જરૂરી છે.