ચોમાસું શરૂ થાય એટલે આપણે ત્યાં વાદળો ગાજે અને વીજળી પડતી હોય છે. જો કે એ ઘટના ચોમાસામાં સામાન્યતઃ જોવા મળતી હોય છે. પરંતુ કેનેડામાં તો અત્યારે ઉનાળો ચાલે છે અને કાળઝાળ ગરમી લોકોને ત્રાહિમામ પોકારાવી રહી છે, ત્યારે 24 કલાક એટલે કે એક દિવસમાં એક બે નહીં પણ 710117 વીજળી ત્રાટકી હતી ! ચોમાસામાં વીજળી ત્રાટકે એ તો સમજી શકાય એવી બાબત છે. પરંતુ ઉનાળામાં પણ વીજળી પડે એ માની પણ ન શકાય. અત્યારે આપણે ત્યાં ચોમાસાની ઋતુ ચાલે છે, છતાં ચોમાસાએ બ્રેક લીધો છે, ત્યારે ઉત્તર ભારતમાં ફરીથી ગરમી વિક્રમ તોડી રહી છે. બીજી તરફ કેનેડા અને અમેરિકામાં પણ ગરમી લોકોને ત્રાહિમામ પોકરાવી રહી છે. સદીઓ જુના ગરમીના વિક્રમ તુટવા માંડ્યા છે. એ સમયે તમે કલ્પના પણ ન કરી શકો કે ત્યાં વીજળી ત્રાટકી શકે. પરંતુ ભર ઉનાળે ત્યાં વીજળી ત્રાટકી છે અને એ પણ અસંખ્યવાર ત્રાટકી છે.
ગયા બુધવારે કેનેડાના બ્રિટીશ કોલંબિયા વિસ્તારમાં એક તરફ ભારે ગરમી વિક્રમ સર્જી રહી હતી, ત્યારે કુદરતી વીજળી પણ જાણે વિક્રમ રચવો હોય એમ ત્રાટકી રહી હતી. એ વખતે 24 કલાકમાં 710117 વીજળી ત્રાટકી હતી. અધધ સંખ્યામાં વીજળી ત્રાટકવાને પગલે 62 સ્થળોએ તો આગ પણ લાગી હતી. આ અંગેની હકિકત સેટેલાઇટ તસ્વીરમાં જાણવા મળી હતી. બ્રિટીશ કોલંબિયામાં કોરોનાના નિયંત્રણો એક મહિના બાદ હળવા થઇ રહ્યા છે, ત્યારે ત્યાં વળી આ નવી આફત આવી છે. આકાશમાંથી વીજળી ત્રાટકવાને કારણે લાગેલી આગ જો તત્કાળ કાબુમાં નહીં આવે તો કટોકટી જાહેર કરવી પડે એમ છે. આ પહેલાં 2017માં જંગલમાં લાગેલી આગને કારણે કટોકટી જાહેર કરવી પડી હતી.
24 કલાકમાં 710117 વખત વીજળી ત્રાટકી એ આંકડો વાંચીને તમને આશ્ચર્ય થતું હોય તો એ જાણી લો કે આ તો કેનેડામાં દર વર્ષે ત્રાટકી વીજળીનો ફક્ત 5 ટકા હિસ્સો જ છે ! બ્રિટીશ કોલંબિયા પ્રાંતમાં આકાશમાંથી ત્રાટકેલી વીજળીને કારણે જંગલમાં ઠેર ઠેર આગ લાગી ગઇ છે. લિટ્ટનને પણ આગે ભરડો લીધો છે, ત્યારે ત્યાંનું તાપમાન 121 ફેરનહીટ પર પહોંચી ગયું હતું. આટલું ઊંચું તાપમાન ત્રણ દિવસ અનુભવાયું હતું. આ ગામ 90 ટકા સ્વાહા થઇ ગયું હતું. આ ગામ તથા તેની આસપાસ વસેલા હજારથી વધુ લોકો સ્થળાંતર કરી રહ્યા છે.
આ હીટવેવને કારણે મૃત્યુઆંક 500 ઉપર પહોંચી ગયો છે.