મંગળવારે આખા દેશમાં 72મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી. દિલ્હીમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં જ જવાનોની પરેડ પણ થઈ હતી. તે પછી તરત જ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર પરેડ સાથે તોફોનો ફાટી નીકળ્યા હતા. છેલ્લા બે મહિનાથી નવા કૃષિ કાયદના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સંગઠનોએ 26મીએ ટ્રકેટર પરેડ સાથે ગણતંત્ર દિનની ઉજવણી કરવાનું એલાન આપ્યું હતુ. તેથી લાખો ટ્રેકટરો દિલ્હી પહોંચી ગયા હતા. જો કે, આ સમયે કેટલાક પ્રદર્શનકારીઓએ ઉત્પાત મચાવી દીધો હતો.
દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયા હતા. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ગણતંત્ર દિવસના ઐતિહાસિક પર્વ પર દિલ્હીમાં જમાવીને પ્રદર્શનકારીઓએ ધમાલ મચાવી હતી. અલગ અલગ વિસ્તારોમાં વિરોધ કરનારાઓએ પોતાનું રૌદ્ર રૂપ દેખાડ્યું હતું. આઈટીઓ પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના ઘર્ષણમાં એક પોલીસકર્મી ફસાઈ ગયો હતો, પરંતુ ત્યારે પ્રદર્શનકારીઓએ જ તેને બહાર કાઢ્યો હતો. હાલ વાયરલ થયેલા વીડિયોમાં નાંગલોઈ વિસ્તારમાં ઘર્ષણના ખતરનાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આ સ્થળ પર પ્રદર્શનકારીઓ આગળ વધવા માગતા હતા પરંતુ પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ છોડ્યા હતા. તેના પછી પ્રદર્શનકારીઓએ ત્યાં જ ટ્રેક્ટર પર સ્ટંટ કરવાના શરૂ કરતા પોલીસ માટે મુસીબત ઉભી થઈ હતી. અન્ય એક ઘટનામાં લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓએ નિશાન સાહેબના ઝંડાને લહેરાવ્યો હતો. દિલ્હીમાં મંગળવારે સૌથી વધુ તોફાન ITOની પાસે જ થયું હતુ. જ્યાં હજારોની સંખ્યામાં ટ્રેકટરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ. દિલ્હી પોલીસે મુકેલી બેરીકેડ્સની તોડફોડ કરવાના વીડિયો પણ વાયરલ થયા છે.
આ અંગેના કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં દિલ્હીમા થયેલા તોફાનો જોઈ શકાય છે. એક વીડિયોમાં નાંગલોઈ-નઝફગઢ વિસ્તારમાં પોલીસના વાહનોમાં તોફાનીઓએ કરેલી તોડફોડ કેદ થઈ છે. આ ઉપરાંત લાલ કિલ્લાની ઘટનામાં પ્રદર્શનકારીઓને પોલીસે હટાવવાની કોશિશ કરી ત્યારે ઉપદ્રવીઓએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો, જેના પગલે ઘણા પોલીસકર્મીઓએ પોતાને બચાવવા માટે દિવાલ કુદીને ભાગવું પડ્યું હતુ તે દ્રશ્ય પણ વાયરલ થઈ રહ્યું છે. અન્ય એક વીડિયો ITOની પાસેનો છે.
જયાં ટ્રેક્ટર ચાલકનું મોત થયું હતું. ઘટના બાદ પ્રદર્શનકારીઓએ પોલીસ પર આરોપ મુક્યો હતો. જો કે, વીડિયોમાં ચાલકે તેનું ટ્રેકટર ખૂબ જ ઝડપથી હંકારતા પલટી ખાઈ ગયું હોવાનું જણાતું હતુ.