દુનિયામાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે, ઝુકતી હે દુનિયા, ઝુકાનેવાલા ચાહીએ જેવી કહેવત પ્રચલિત છે. છાશવારે આ કહેવતને સાર્થક કરતા કિસ્સા પણ બહાર આવતા રહે છે. તાજેતરમાં વેરાવળના એક યુવકને ફેસબુક પર મળેલી કથિત વિદેશી મહિલાએ મિત્રતાનું નાટક કરીને 8 લાખનો ચૂનો ચોપડ્યો છે. હાલ આ ઘના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ આ કિસ્સો દેશ અને દુનિયાના એવા લાખો લોકો માટે લાલબત્તી છે જેઓ સોશિયલ મીડિયા પર મિત્રો બનાવીને આંધળો વિશ્વાસ કરી રહ્યા છે. સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો એવી છે કે, વેરાવળમાં રેયોન હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને નગરપાલિકા પાસે એસીઆર ટ્રાન્સપોર્ટ નામે ઓફિસ ધરાવતા 47 વર્ષીય અને ઉતરપ્રદેશના દેવાનંદ ઇન્દ્રપતિ ઠાકુરદિન દુબે એફબી પર એકાઉન્ટ ધરાવે છે. થોડા સમય પહેલાં તેનો સંપર્ક કોઈ બ્રિટીશ નાગરિક જેસી અલકીયા સાથે થયો હતો. દેખાવે સુંદર આ યુવતીને જોઈને દુબે મોહી પડ્યા હતા. ફ્રેન્ડ રિકવેસ્ટનો સ્વીકાર કરાયા બાદ બંને વચ્ચે વાતચીતનો દૌર ચાલ્યો હતો.
આ દરમિયાન એકબીજાના નંબરની આપ-લે થતાં વોટ્સએપથી પણ વાતો થવા માંડી હતી. આ સમયે તે મહિલાએ અંગ્રેજીમાં વાતચીત કરીને તેણી ભારત ફરવા આવવાની ઈચ્છા રાખે છે અને તે અહીં આવશે ત્યારે દૂબેને મળશે તેમ વચન આપ્યું હતુ. જે બાદ ગત 20મી જુલાઈએ મહિલાએ દેવાનંદને ફોન કરી જણાવ્યું હતુ કે, તે દિલ્હી આવી પહોંચી છે અને તેની પાસે બ્રિટીશ કરન્સી છે. આથી ભારતમાં તેનું ચલણ શક્ય નથી. ભારતમાં પ્રવાસ દરમિયાન તેને ખર્ચ કરવા માટે ભારતીય કરન્સીની જરૂર છે. આ સાથે જ મહિલાએ તેના પાસેની બ્રિટીશ કરન્સીના ભારતીય ચલણમાં ૬ કરોડ રૂપિયા તે દેવાનંદના ખાતામાં જમા કરાવશે તેમ પણ જણાવ્યું હતુ. આથી દુબે તે મહિલાની વાતમાં આવી ગયો હતો. જે બાદ દેવાનંદએ દિલ્હીના એક બેંક એકાઉન્ટમાં 69900 રૂપિયા અને બાદમાં ટુરીઝમ પાસ મેળવવા માટે બે લાખ રૂપિયા અને તેના પછી કરન્સી બદલાવવા માટે 5,38,800 જમા કરાવી દીધા હતા. જો કે તે પછી પણ મહિલાએ ફોન કરી દૂબેને હવે ફાયનાન્સ મીનીસ્ટ્રીનો ચાર્જ 13 .50 લાખ જમા કરાવવાનો હોવાથી નાણાની આવશ્યકતા હોવાનું કહ્યું હતુ. આ સમયે અચાનક દેવાનંદ દુબેને મહિલા તેની સાથે ઠગાઈ કરી રહી હોવાની આશંકા ગઈ હતી. આ અંગે અંતે તેની સાથે આરોપી મહિલાએ કુલ 8,06,700 રૂપિયાની છેતરપીંડી કરી હતી.