કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા ભારતમાં હવે ટૂંક સમયમાં લોકોને વધુ એક રસી વાયરસ સામે રક્ષણ કાજે મળી શકે છે. અમદાવાદની ફર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ કોરોના વાયરસના હળવા લક્ષણોવાળા દર્દીઓને આપી શકાય તે માટે એન્ટિબોડી કોકટેલના ક્લિનિકલ ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) પાસેથી મંજૂરી માંગી છે.
ઝાયડસ હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. ર્શિવલ પટેલે મીડિયાને માહિતી આપતા કહ્યુ હતુ કે, કંપનીએ મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ માટે ક્લિનિકલ ટ્રાયલ કરવા ડીસીજીઆઈની મંજૂરી માંગી છે. બે મોનોક્લોનલ એન્ટિબોડીઝની કોકટેલ છે, જે કુદરતી એન્ટિબોડીઝની નકલ કરે છે, જે ચેપ લાગે તો તે સામે લડવા માટે માનવ શરીરમાં ઉત્પન્ન થાય છે. આ એન્ટિબેક્ટેરિયલ કોકટેલ બે દવાઓ કેસિરીવીમેબ અને ઇમદેવીમેબને જોડીને બનાવવામાં આવે છે. કંપની દ્વારા દાવા કરાયો છે કે, આ એન્ટિબોડી કોકટેલ કોરોના વાયરસની ઘાતક ક્ષમતા ઘટાડી દે છે.
ડો. ર્શિવલ પટેલે વધુમાં કહ્યું હતુ કે, કોરોના સામે ભારત વધુ અસરકારક લડાઈ લડી શકે તે માટે યોગ્ય સારવાર અને દવાની જરૂર છે. કોરોનાની બીજી લહેર બાદ હવે દેશ અને સરકારે મહામારીના વિવિધ પાસાને ચકાસીને દર્દીઓને ઓછામાં ઓછી તકલીફ પડે તે દિશામાં પગલા ભરવા આવશ્યક છે. ઝાયડસ એકમાત્ર એવી ભારતીય કંપની છે જેણે કોવિડ -૧૯ની સારવાર માટે ન્યૂટ્રલાઇઝિંગ મોનોક્લોનલ એન્ટી બોડી આધારિત કોકટેલ વિકસાવી છે. આ અગાઉ દેશની ફર્મા કંપનીઓ રોશે ઇન્ડિયા અને સિપ્લાએ સોમવારે એન્ટિબોડી કોકટેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કોકટેલના એક ડોઝની કિંમત ૫૯,૭૫૦ રૂપિયા છે અને તે હળવા અને સાધારણ ચેપગ્રસ્ત દર્દીઓને આપી શકાય છે.