ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ સમગ્ર વિસ્તાર યુદ્ધની આગમાં સળગી રહ્યો છે. આ હુમલા પછી ઈરાને ઈઝરાયેલ, ઈરાક, યુએઈ સહિતના અનેક દેશોમાં મિસાઈલો છોડી હતી. બીજી તરફ, ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાનમાં હજુ પણ બોમ્બમારો ચાલુ છે, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ સહિત ઘણા ટોચના નેતાઓના મોત થયા છે.
કુવૈતમાં ક્રેશ થયું અમેરિકાનું F-15 ફાઇટર જેટ
આ દરમિયાન ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે કુવૈતમાં અમેરિકી સેનાનું એક F-15 લડાકુ વિમાન ક્રેશ થયું છે. આ વિમાન ક્રેશ થવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આકાશમાં જ વિમાનમાં આગ લાગતી જોઈ શકાય છે. F-15 ફાઇટર જેટ દુનિયાના સૌથી ઘાતક અને આધુનિક લડાકુ વિમાનોમાંનું એક માનવામાં આવે છે. જોકે, વિમાનમાં આગ લાગતાની સાથે જ પાયલોટ પેરાશૂટ લઈને કૂદી ગયો હતો, જેનાથી તેનો જીવ બચી ગયો હતો. અત્યાર સુધી આ સમાચારની કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી. અમેરિકા અને કુવૈતની સેના તરફથી પણ કોઈ નિવેદન આવ્યું નથી.
ઈઝરાયેલ-ઈરાન તણાવ વચ્ચે દુર્ઘટના
આ અકસ્માત ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દરમિયાન થયો છે, જેમાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા હતા. ઈરાની અધિકારીઓએ તેને પ્રતિશોધ તરીકે સંતુલિત કાર્યવાહી ગણાવી છે અને ચેતવણી આપી છે કે આગામી સમયમાં તણાવ વધુ વધવાની શક્યતા છે.
