Thursday , 12 March 2026
Home ગુજરાત કુકેરીમાંથી ટોરવણને અલગ પાડવાના પ્રસ્તાવ સામે ગ્રામજનોમાં તીવ્ર રોષ, “એકતરફી નિર્ણય”ના આક્ષેપ સાથે TDOને રજૂઆત
ગુજરાત

કુકેરીમાંથી ટોરવણને અલગ પાડવાના પ્રસ્તાવ સામે ગ્રામજનોમાં તીવ્ર રોષ, “એકતરફી નિર્ણય”ના આક્ષેપ સાથે TDOને રજૂઆત

સરપંચે ગામની જાણ બહાર ગ્રામસભા બોલાવી ઠરાવ પસાર કર્યો હોવાનો આક્ષેપ, નિર્ણય રદ ન થાય તો આંદોલનની ચીમકી.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામમાંથી ટોરવણ ફળિયાને અલગ કરીને નવી ગ્રામપંચાયત રચવાના પ્રસ્તાવને લઈને ગામમાં ભારે અસંતોષ અને રોષ ફાટી નીકળ્યો છે. ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ નિર્ણયને “એકતરફી અને ગેરપારદર્શક” ગણાવી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ગ્રામજનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આ નિર્ણય રદ નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.

મળતી માહિતી મુજબ તા. 17 જાન્યુઆરી 2026ના રોજ કુકેરી ગ્રામપંચાયતના સરપંચ દ્વારા ટોરવણને કુકેરીથી અલગ કરીને નવી ગ્રામપંચાયત બનાવવાના મુદ્દે ગ્રામસભા બોલાવવામાં આવી હતી. આ ગ્રામસભામાં ટોરવણને અલગ પાડવાનો ઠરાવ પસાર કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સમગ્ર પ્રક્રિયા ગામના મોટા ભાગના લોકોને અંધારામાં રાખીને હાથ ધરવામાં આવી હતી.

ગ્રામજનોનું કહેવું છે કે આ મુદ્દે ગામના અનેક પરિવારોને પૂર્વ સૂચના આપવામાં આવી નહોતી અને ઘણા લોકોને તો ગ્રામસભા યોજાઈ હોવાની જાણ પણ નહોતી. પરિણામે ગ્રામસભામાં લેવાયેલા નિર્ણયની પારદર્શિતા અને કાયદેસરતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોના મતે આ રીતે ગામની સંમતિ વિના લેવામાં આવેલા નિર્ણયો ગામના લોકશાહી માળખા પર પણ સવાલ ઊભા કરે છે.

કુકેરી ગામ વર્ષોથી એકતા અને સહકાર માટે ઓળખાતું ગામ છે. અહીંના તમામ વિકાસકાર્યો, સામાજિક કાર્યક્રમો અને સરકારી યોજનાઓનો લાભ સંયુક્ત રીતે લેવામાં આવે છે. ગ્રામજનોનું માનવું છે કે ટોરવણને અલગ ગામ તરીકે ઉભું કરવાનો પ્રયાસ ગામની એકતા પર સીધી અસર કરનાર છે અને આવનારા સમયમાં વિકાસકાર્યોમાં વિખવાદ અને અવરોધ ઉભા થઈ શકે છે. રજુઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામસભા બોલાવવાની પ્રક્રિયામાં પણ યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. ગામના મોટા ભાગના લોકોની હાજરી વગર અને યોગ્ય ચર્ચા વિના ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાનું જણાવી ગ્રામજનોએ આ નિર્ણયને રદ કરવાની માંગ ઉઠાવી છે.

ગ્રામજનો અને ગામના આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે સમગ્ર મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને ગામની એકતા તથા જાહેર હિતને ધ્યાનમાં રાખીને ટોરવણને અલગ ગ્રામપંચાયત બનાવવાના પ્રસ્તાવને રદ કરવામાં આવે.
આ મુદ્દે ગ્રામજનોમાં વધતા રોષને જોતા ગામમાં રાજકીય અને સામાજિક ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા તેમની વાજબી માંગને અવગણવામાં આવશે તો આગામી દિવસોમાં તેઓ વિરોધ પ્રદર્શન, ધરણાં સહિત ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ સમગ્ર મામલો તાલુકા તંત્રના ધ્યાન પર પહોંચતા હવે તંત્ર શું પગલું ભરે છે અને ગ્રામજનોના આક્ષેપોની તપાસ કેવી રીતે થાય છે તે અંગે સૌની નજર ટકી રહી છે.

Related Articles

ગુજરાત

સુરતની બે કોલેજીયન ફ્રેન્ડના આપઘાત કેસમાં મોટો ખુલાસો, આ કારણે ડિપ્રેશનમાં આવી ઉઠાવ્યું ખૌફનાક પગલું

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી નામની...

ગુજરાત

સુરત: બે બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું કમકમાટીભર્યું મોત; CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક...

ગુજરાત

રાજ્ય સરકારે ઉચ્ચ IPS અધિકારીઓની મોટા પાયે બદલી કરી તંત્રમાં નવી ગતિ લાવવાનો પ્રયાસ

CID, ઇન્ટેલિજન્સ, એન્ટી કરપ્શન, સાઇબર સુરક્ષા અને વિવિધ રેન્જોમાં નવી નિમણૂંકો –...