આકાશ ક્લાસીસ પાસે ધો. 6 ના બાળકોએ ફરજિયાત એડમિશન લેવું,નહીં તો શાળામાંથી LC લઈ લો
જે બાળકો આકાશ ક્લાસીસ પાસે નથી જવા માંગતા તેઓએ 31-03-2026 સુધી LC લઈ લેવું અને જો 31-03-2026 પછી LC લેશો તો ક્લાસિસનો પ્રથમ હપ્તો રૂપિયા 6000 ફરજિયાત ભરવાના આદેશથી હડકંપ
મેસેજ વાંચતાં જ વાલીઓના પગ નીચેથી ધરતી સરકી : બાદમાં શાળા સંચાલકો પર માછલાં ધોવાતાં આખરે શાળાએ મેસેજ રદ કરવો પડ્યો અને આ મેસેજને રિવ્યુમાં લેવા તથા આકાશ ક્લાસીસમાં એડ્મિશનનું ફરજિયાત નહીં પણ મરજિયાત હોવાનું જણાવ્યું
શું મંડળના હોદેદારોના દબાણમાં શાળાના પ્રિન્સિપાલે નિર્ણય લીધો ? શું આકાશ ક્લાસિસના કેટલાક શિક્ષકો શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે?
ક્લાસીસ તરફ્થી શાળાને શું આર્થિક ફાયદો મળી રહ્યો છે? મંડળના કોઈ હોદ્દેદારોના કોઈ સગા દ્વારા આકાશ ક્લાસિસ ચલવાઈ રહ્યું છે? વિગેરે અનેક પ્રશ્ન મુદ્દે તપાસ જરૂરી
શાળા દ્વારા પહેલા મોકલાયેલો મેસેજ

વાલીઓના વિરોધ બાદ શાળા તરફથી મુકાયેલો મેસેજ

શિક્ષણના ધામમાં ‘જોહુકમી’: આકાશ ક્લાસીસમાં એડમિશન લો અથવા LC પકડાવો, બીલીમોરાની પ્રતિષ્ઠિત શાળાના ફતવાથી વાલીઓમાં ભારે રોષ
બીલીમોરા: આકાશ ક્લાસીસ માટે ધો. 6 ના વિદ્યાર્થીઓને ફરજિયાત ઉઘાડી લૂંટનો આદેશ, હોબાળો થતાં શાળાએ માફી માંગી નિર્ણય ફેરવ્યો
કેળવણી મંડળ કે ‘કમિશન’ મંડળ? બી.એસ. પટેલ શાળાના ક્લાસીસ પ્રેમનો ભાંડો ફૂટતા જ સંચાલકોએ યુ-ટર્ન લીધો, અનેક સવાલો ઉઠ્યા
બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત બી.એસ. પટેલ પ્રાથમિક શાળા દ્વારા ગત શુક્રવારના રોજ વાલીઓને એક મેસેજ મોકલતા વાલી મંડળમાં આક્રોશની ચરમસીમા જોવા મળી રહી છે. બીલીમોરાની અતિપ્રતિષ્ઠિત ગણાતી શાળાના સંચાલકોએ વાલીઓને મોકલેલ મેસેજ અનુસાર શૈક્ષણિક વર્ષ 2026-27 ના વર્ષ દરમ્યાન ધો. 6 ના બાળકો માટે શાળાના સમયમાં પરિવર્તન કરવા સાથે એક વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હતો ,કે ધો. 6 ના બાળકોએ આકાશ ક્લાસીસ પાસે વાર્ષિક રૂપિયા 18000ના ખર્ચે ફરજિયાત ટ્યુશન લેવાનું રહેશે,જે વાલીઓ તેમના બાળકોને આકાશ ક્લાસીસમાં નથી મોકલવા માંગતા તેઓએ તા. 31-03-2026 પહેલા શાળામાંથી પોતાનું લિવિંગ સર્ટિફિકેટ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) લઈ લેવું. અને જેઓ તા. 31-03-2026 પછી આકાશ ક્લાસીસમાં જોડાવવાની ના પડશે તેઓએ એલસી લઈને આકાશ ક્લાસિસનો રૂપિયા 6000 નો પ્રથમ હપ્તો ભરવાનો રહશે. આ અંગે વિવાદ વકારતા શાળા સંચાલકોએ રાતોરાત આ મેસેજ ભૂલથી થયો હોવાનું અને આ નિર્ણયને રિવ્યુમાં લેવાનો એક મેસેજ કરી દિલગીરી વ્યક્ત કરી હતી.
વાત એમ છે કે, બીલીમોરાના વિવાદાસ્પદ ગણાતી સંસ્થા બીલીમોરા વિભાગ કેળવણી મંડળની વધુ એક સંસ્થા હાલમાં વિવાદમાં સપડાઈ છે. ભલે મંડળ વિવાદોનો પર્યાય હોય પણ બીલીમોરામાં અતિપ્રતિષ્ઠિત ગણાતી સંસ્થા બી.એસ.પટેલ પ્રાથમિક શાળા આ વખતે શાળાના સંચાલકો નહીં પણ મંડળના હોદ્દેદારોના કારણે વિવાદમાં સપડાઈ હોવાનું બહાર આવ્યું છે. બીલીમોરાની બી.એસ. પટેલ પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 સુધીના શાળામાં ભણતા બાળકોના વાલીઓને એક વોટ્સએપ મેસેજ પાઠવવામા હતો. જેને પગલે સ્થાનિક શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી છે. મેસેજ વાંચતા જ તે ચાલાકીભરી રીતે જોહુકમી વાપરી વાલીઓ પાસે નાણાં ખંખેરવાનો બદઇરાદો હોય એવુ સ્પષ્ટ જણાય રહ્યું છે. જાણવા મળ્યાનુસાર મેસેજમાં જેનો ઉલ્લેખ કરાયો છે એ આકાશ ક્લાસિસ વલસાડના સંચાલકની સંસ્થા હોવાનું શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું છે. તો બીજી તરફ વાલીઓમાં ચાલતો ગણગણાટ મુજબ આકાશ ક્લાસિસના કેટલાક ટ્રેનરો (શિક્ષકો) જ બી.એસ. પટેલ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા છે. જે જોતા શાળા અને ક્લાસિસ વચ્ચે મેળાપીપણામાં કંઈક કમિશન તો નથી નક્કી કરાયુંને એવો પ્રશ્ન આ મેસેજના પગલે ચર્ચાના એરણે ચઢ્યો છે.
અંગ્રેજીમાં પાઠવાયેલ આ મેસેજમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 6ના બાળકો આકાશ ક્લાસિસ ફરજિયાત કરાયાના ઉલ્લેખ સાથે શાળાનો સમય એપ્રિલથી સવારે 07:45 થી સાંજે 04:00 વાગ્યા સુધી કરાયો છે. ગણિત અને વિજ્ઞાન પાઠ્યપુસ્તકો આકાશ ક્લાસીસ દ્વારા પૂરા પાડવામાં આવશે જ્યારે અન્ય વિષયોના પુસ્તકો શાળામાંથી જ ખરીદવાનું જણાવાયું છે. વધુમાં આકાશ ક્લાસિસની ફી રૂ.18,000 રાખી પહેલો હપ્તો રૂ.6,000 નો ભરવા જણાવાયું છે. જે પણ 15 ફેબ્રુઆરી પહેલા જ્યારે બીજો હપ્તો રૂ.12000નો જૂનના પહેલા અઠવાડિયામાં ચૂકવવાનો આદેશ કરાયો છે.
ઉપરાંત શાળા ફી રૂ.20,120 નો ઉલ્લેખ કરાયો છે.
શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. હાલની કારમી મોંઘવારીમાં વાલીઓ પેટે પાટા બાંધી પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને શિક્ષિત બનાવવાના સ્વપ્ન સેવે છે. ત્યારે શાળાનો આ મેસેજને લઈ વાલીઓને પડતા પર પાટુ માર્યાનું લાગી રહ્યું છે. હદ તો ત્યારે થઈ કે મેસેજમાં શાળાએ ક્લાસિસને ફાયદો કરાવવાના હેતુસર સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે આકાશ ક્લાસીસમાં જે બાળકો જોડાવા માટે તૈયાર ન હોય તેમણે 31 માર્ચ પહેલા LC માટે અરજી કરવાનું જણાવી 31 માર્ચ પછી LC માટે અરજી કરવા બદલ શાળા ઉપરાંત આકાશનો પ્રથમ હપ્તો રૂ.6,000 નો પણ ચૂકવવા દબાણ કરવામાં આવ્યું છે.
આમ મંડળ સંચાલિત શાળાના સંચાલકોના એક નિર્ણયના પગલે વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી. અને આ બાબતે અસમંજસમાં આવી ગયા હતા. તો બીજી તરફ કેટલાક વાલીઓએ પોતાનો વિરોધ નોંધાવતા, વિરોધ વધુ વકારતા શાળા સંચાલકો દ્વારા આ વિવાદાસ્પદ નિર્ણયને રિવ્યુમાં લઈ રદ્દ કરવાનું નક્કી કરી આકાશ ક્લાસીસમાં બાળકોના એડ્મિશનને મરજિયાત કરવામાં આવ્યો છે.
આ અંગે બીલીમોરા વિભાગ કેળવણી મંડળના હોદ્દેદાર જસ્મિન દેસાઈનો સંપર્ક સાધતા તેમણે દક્ષિણ ગુજરાત વર્તમાનને જણાવ્યું હતું કે આ મેસેજ ભૂલથી ગયો છે અને ફરજિયાત નથી મરજિયાત છે. એમ ટૂંકમાં જણાવ્યું હતું. જો કે આકાશ ક્લાસીસમાં જોડાવા માંગતા ન હોય તેમણે લિવિંગ કઢાવી લેવાની મેસેજમાં અપાયેલ ચીમકી તે ફરજિયાત હોવાનો નિર્દેશ કરે છે.
બોક્ષ 1 : જ્યારે આચાર્યા રોશનીબેન ગજેરાને પૂછવામાં આવતા તેઓએ પહેલા કહ્યું હતું કે આ બાબતે તમે હોદ્દેદારોને પૂછો. પરંતુ દક્ષિણ ગુજરાત વર્તમાન દ્વારા આ અંગે વિશેષ પૂછવામાં આવતા તેઓએ આ બાબતે દિલગીરી દાખવી કહ્યું હતું કે મેસેજ ભૂલથી ફોરવર્ડ થયો હોવાનું સ્વીકારી તેને રદ ગણવો એમ કહ્યું હતું. તથા હવે પછી અમો પહેલાંની જેમ જ બાળકોના હિત માટે અને કાયદાની મર્યાદામાં રહી વાલીઓના હિત માટે જ નિર્ણય લઈશું.
