બીલીમોરા, તા.૬ બીલીમોરા શહેરના સુવ્યવસ્થિત વિકાસ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બીલીમોરા નગરપાલિકાએ ટાઉન પ્લાનિંગ યોજના-૧ના અમલ માટે મોટું પગલું ભર્યું છે. યોજનાના અમલ અંતર્ગત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કુલ ૩૫૦૦ જેટલા મિલકતધારકો અને કબ્જાદારોને દબાણ દૂર કરી જમીનનો કબ્જો નગરપાલિકાને સોંપવા નોટિસો ફટકારવામાં આવતા શહેરમાં ચકચાર મચી છે. આ કાર્યવાહીથી અસરગ્રસ્ત પરિવારોમાં ડર અને અનિશ્ચિતતાની લાગણી વ્યાપી ગઈ છે.
બીલીમોરા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીએ ગત તા.૨૩/૭/૨૦૨૫ના રોજ નગર રચના યોજના અમલ માટે ઠરાવ કર્યો હતો, જેને બાદમાં સામાન્ય સભાની મંજૂરી પણ મળી હતી. આ યોજના અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં ગૌહરબાગ સ્થિત સ્નેહલ હોસ્પિટલથી કોલેજના ગેટ સુધી, રાજભોગ સર્કલથી કોલેજ ગેટ, રાજભોગથી સોમનાથ રોડ દેસરા ફાટક સુધી તેમજ પશ્ચિમ વિસ્તારમાં ચીમોડીનાકાથી જીવનજ્યોત એપાર્ટમેન્ટ, મહાત્મા ગાંધી રોડથી અંબિકા નદી અને દેસરા રેલવે ફાટકથી સાઈનાથનગર સોસાયટી સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ યોજનાના અમલમાં અવરોધરૂપ બનતા બાંધકામો અને રહેણાંક મકાનો દૂર કરવા માટે નગરપાલિકાએ નોટિસ આપીને જણાવ્યુ છે કે ટીપી વિસ્તારમાં આવતી જમીનોમાં રસ્તા કપાત અને હદ સુધારણા કરવામાં આવશે. નોટિસમાં જમીનના માલિકો અને કબ્જાદારોને દિન-૭માં વાંધા રજૂ કરવાની તથા દિન-૧૦માં દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. આ કાર્યવાહીથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોમાં ભય અને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ઘણા નાગરિકોનું કહેવું છે કે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન દૈનિક અખબારમાં પ્રસિદ્ધ થયેલી જાહેર નોટિસ અંગે તેઓ અજાણ હતા.
પરિણામે અચાનક આવેલી નોટિસોથી ઘર ગુમાવવાની ભીતિ તેમને સતાવી રહી છે. બીજી તરફ, નગરપાલિકાના વર્તુળોમાંથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાઉન પ્લાનિંગ યોજના શહેરના સર્વાંગી વિકાસ, પહોળા રસ્તાઓ, સુવિધાજનક ટ્રાફિક વ્યવસ્થા અને ભવિષ્યની આવશ્યકતાઓ માટે અનિવાર્ય છે. યોજના અમલમાં આવશે તો બીલીમોરા શહેર વધુ આયોજનબદ્ધ અને આધુનિક બનશે, જેનો લાભ અંતે નાગરિકોને જ મળશે.હાલ તો ટાઉન પ્લાનિંગ યોજના-૧ની નોટિસો શહેરભરમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે. એક તરફ વિકાસની આશા છે તો બીજી તરફ રોજી-રોટી અને રહેઠાણ ગુમાવવાની ચિંતા. આવી સ્થિતિમાં નગરપાલિકા અને અસરગ્રસ્ત નાગરિકો વચ્ચે સંવાદ અને સંવેદનશીલ વલણ અપનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી વિકાસ અને માનવીય સંવેદના વચ્ચે સંતુલન જળવાઈ રહે.
