‘ધુરંધર’ બાદ હવે ‘ધુરંધર 2’નો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં પણ જોવા મળી રહ્યો છે. એક પાકિસ્તાની પરિવારે ‘ધુરંધર 2’ જોઈ અને સિનેમાઘરની બહાર નીકળતા જ વીડિયો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવવેન્જ’ એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. રણવીર સિંહની મુખ્ય ભૂમિકાવાળી આ સ્પાય-થ્રિલર દરરોજ કમાણીના નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. જોકે, વ્યાવસાયિક સફળતાની વચ્ચે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદો અને ચર્ચાનું કેન્દ્ર પણ બની છે. ફિલ્મના વિષયવસ્તુને કારણે પાકિસ્તાન સહિત સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીન જેવા ખાડી દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાની પરિવારનું વાયરલ રિએક્શન
ફિલ્મ પરના પ્રતિબંધ છતાં સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ખળભળાટ મચાવી દીધો છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પાકિસ્તાની પરિવાર થિયેટરની બહાર ફિલ્મનો રિવ્યુ આપતો જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મની ટીકા કરવા છતાં આ પરિવારે અર્જુન રામપાલ દ્વારા ભજવવામાં આવેલા ‘મેજર ઈકબાલ’ ના પાત્રના જોરદાર વખાણ કર્યા છે. તેમણે મેજર ઈકબાલને ‘સાચો દેશભક્ત’ ગણાવ્યો અને કેમેરાની સામે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. સાથે જ પ્રેક્ષકોએ આ ફિલ્મમાં અક્ષય ખન્નાની ખોટ વર્તાતી હોવાનું પણ જણાવ્યું હતું.
પાકિસ્તાનમાં પાયરેટેડ વર્ઝનનો ખુલાસો
ભલે પાકિસ્તાનમાં ‘ધુરંધર 2’ સત્તાવાર રીતે રિલીઝ થઈ નથી, પરંતુ ત્યાંના લોકો પાયરસી દ્વારા ફિલ્મનો આનંદ માણી રહ્યા છે. એક પાકિસ્તાની પત્રકાર ખાલિદ મહેમૂદ ખાલિદે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા દાવો કર્યો કે તે લાહોરમાં પોતાના ઘરે બેસીને આ ફિલ્મ જોઈ રહ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ફિલ્મના રિસર્ચ કન્સલ્ટન્ટ આદિત્ય રાજ કૌલે કટાક્ષ કર્યો કે પાકિસ્તાની પ્રેક્ષકો ભારતીય સિનેમા વગર રહી શકતા નથી, ભલે તે ફિલ્મ પાકિસ્તાની આતંકવાદને કચડી નાખવાના વિષય પર જ કેમ ન હોય.
ઘરેલું બોક્સ ઓફિસ પર 450 કરોડને પાર
રણવીર સિંહની આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ‘સુનામી’ લાવી દીધી છે. 18 માર્ચે પેઇડ પ્રિવ્યૂ અને 19 માર્ચે ભવ્ય રિલીઝ બાદ, ફિલ્મે માત્ર ચાર દિવસમાં 450 કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ‘સેકનિલ્ક’ ના રિપોર્ટ અનુસાર રવિવારે ફિલ્મે ભારતમાં 114.85 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું, જેનાથી તેનો કુલ ઘરેલું બિઝનેસ 454.12 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા
પોતાની તોફાની કમાણી સાથે ‘ધુરંધર: ધ રિવવેન્જ’ એ ભારતીય સિનેમાની ઘણી આઈકોનિક ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ફિલ્મે આમિર ખાનની ‘દંગલ’ (387 કરોડ રૂપિયા), સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’ અને પ્રભાસની ‘બાહુબલી’ જેવી દિગ્ગજ ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શન રેકોર્ડ તોડીને પોતાની બાદશાહત કાયમ કરી છે. વર્ષ 2025 માં આવેલા તેના પ્રથમ ભાગે વિશ્વભરમાં 1300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો, અને હવે આ સિક્વલ તે આંકડાઓને પણ પડકારવા માટે તૈયાર દેખાઈ રહી છે.
