અમેરિકન-ભારતીય ઉદ્યોગપતિના ગ્રુપે 1.63 બિલિયન ડોલરમાં ખરીદી ફ્રેન્ચાઇઝી; રોબ વોલ્ટન પણ ડીલમાં સામેલ
IPL ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2008ની પ્રથમ સીઝન જીતનાર રાજસ્થાન રોયલ્સ (RR) હવે સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે. આ ડીલ સાથે RR IPL ઈતિહાસની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે.

ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગપતિ કાલ સોમાણીના નેતૃત્વ હેઠળના ગ્રુપે અંદાજે ₹15,286 કરોડ (1.63 બિલિયન ડોલર)માં ફ્રેન્ચાઇઝી ખરીદી લીધી છે. રિપોર્ટ્સ મુજબ, આ ડીલમાં 100 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે વોલમાર્ટના સ્થાપકના પુત્ર અને વિશ્વના અગ્રણી ધનિકોમાં સામેલ રોબ વોલ્ટન પણ આ રોકાણમાં જોડાયેલા છે. આવતી IPL 2026 સીઝન (28 માર્ચથી શરૂ)માં રાજસ્થાન રોયલ્સ નવી માલિકી હેઠળ મેદાનમાં ઉતરશે. ટીમનું નેતૃત્વ યુવા ખેલાડી રિયાન પરાગ સંભાળશે.
કોણ છે કાલ સોમાણી?
કાલ સોમાણી અમેરિકાના એરિઝોના રાજ્યના સ્કોટ્સડેલમાં સ્થાયી ભારતીય મૂળના સફળ ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ ભારતમાં થયો હતો અને માત્ર 16 વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેમણે સંઘર્ષભર્યું જીવન જીવ્યું. વર્ષ 1998માં તેઓ અમેરિકા સ્થાયી થયા. છેલ્લા 15 વર્ષમાં તેમણે Ed-Tech, ડેટા પ્રાઇવસી, AI ગવર્નન્સ અને સ્પોર્ટ્સ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામ કર્યું છે. તેઓ IntraEdge, Truyo, Truyo.ai અને Academian જેવી કંપનીઓના સ્થાપક છે. તે સિવાય તેઓ Motor City Golf Clubના સહ-માલિક છે અને TMRW Sports તથા TGL Golf Leagueમાં પણ શરૂઆતથી જ રોકાણકાર તરીકે જોડાયેલા છે.
