સુરતમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક યુવકનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
શહેરના વરાછા વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતા વાહનોનો કહેર જોવા મળ્યો હતો. અહીં બે બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં અકસ્માતની ભયાનકતા જોઈ શકાય છે. ફૂટેજમાં દેખાય છે કે કેવી રીતે બે બાઇક વચ્ચેની ટક્કર બાદ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. હાલમાં પોલીસે આરોપી બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે બાઇક વચ્ચે ભીષણ ટક્કર
આ ઘટના ગત 4 માર્ચની હોવાનું જાણવા મળ્યું છે. સાંજે લગભગ 6 વાગ્યાના સુમારે આ કરુણ અકસ્માત સર્જાયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, લાલ રંગનું શર્ટ પહેરેલો રામપ્રસાદ રાજપૂત પોતાની મોટરસાયકલ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન, સામેથી પોતાની સાઈડમાં શાંતિથી આવી રહેલી બાઇકને તેણે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બાઇક સવાર હવામાં 10 ફૂટ ઉછળીને દૂર ફેંકાયો હતો, જ્યારે બીજો બાઇક ચાલક બાઇક પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.
CCTV ફૂટેજ આવ્યા સામે
અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મૃતક પોતાની સાઈડમાં સામાન્ય ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો, જ્યારે લાલ શર્ટ પહેરેલો યુવક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવીને સામેથી અથડાયો હતો. હાલમાં સુરત પોલીસે આરોપી બાઇક ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
