Sunday , 6 September 2026
Home ગુજરાત વલસાડ LCB નો મહારાષ્ટ્ર સુધી દોડતો દબદબો : પાલઘરથી પારડી દુકાન ચોરીના ચોરોને ઝડપી પાડ્યા હતા
ગુજરાત

વલસાડ LCB નો મહારાષ્ટ્ર સુધી દોડતો દબદબો : પાલઘરથી પારડી દુકાન ચોરીના ચોરોને ઝડપી પાડ્યા હતા

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બનતી ઘરફોડ અને વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સઘન તપાસ ચલાવી પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરથી બે શાતિર આરોપીઓને ઝડપી પાડતા પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.

મળતી વિગતો અનુસાર તા. 17 નવેમ્બર 2025 ના રોજ પારડી તાલુકાના હરિયાવાડ વિસ્તારમાં આવેલ કેલિડોનિયા કોમ્પ્લેક્સમાં આવેલી “બનારસી ભેલ” નામની દુકાનને રાત્રિના સમયે નિશાન બનાવી અજાણ્યા ચોરોએ દુકાનનું શટર ઉંચું કરી અંદર પ્રવેશ મેળવી કાઉન્ટરમાં રહેલા કેશબોક્સનું તાળું તોડી અંદાજે રૂ.1,20,000 ની રોકડ રકમ પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા–2023 ની કલમ 331(4), 305(એ) સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયા બાદ સમગ્ર મામલો ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉત્સવ બારોટ ના નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. પરમાર તથા LCB સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ, ગુપ્ત બાતમીદારો અને મેદાની તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે સતત પ્રયત્નો હાથ ધરાયા હતા. તપાસ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમ મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધરી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં રોહિતભાઈ કાનાભાઈ વાઘરી (ઉ.વ. 23, હાલ રહે. ગાંધીનગર ઇસ્ટ ઝૂંપડપટ્ટી વિસ્તાર, રેલવે સ્ટેશન પાસે, પાલઘર, મહારાષ્ટ્ર, મૂળ રહે. ગામ રોજીત, વાઘરીવાડ, તા. બરવાડા, જી. બોટાદ) અને વિકાસ બલેશ્વર મહતો (ઉ.વ. 30, હાલ રહે. 90 ફૂટ રોડ ઝૂંપડપટ્ટી વિસ્તાર, ભાયંદર વેસ્ટ, જી. થાણે, મહારાષ્ટ્ર, મૂળ રહે. અમરપુર અન્યાય, પોસ્ટ ભભનગાંવ, થાણા પડસા બજાર, જી. છપરા, બિહાર) નો સમાવેશ થાય છે. પોલીસે બંનેની કડક પૂછપરછ કરતા પારડીમાં “બનારસી ભેલ” દુકાનમાં થયેલી રૂ.1.20 લાખની ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

આરોપીઓએ ગુનાને અંજામ આપવા માટે અગાઉ વલસાડ સીટી વિસ્તારમાંથી ચોરાયેલી એક્ટિવા મોપેડ નં. GJ-15-BJ-4231 નો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું અને બાદમાં આ મોપેડ ભીલાડ RTO ચેકપોસ્ટ નજીક મૂકી તેઓ મહારાષ્ટ્ર ભાગી ગયા હતા. પૂછપરછમાં વધુ ખુલ્યું કે આરોપીઓએ અગાઉ વાપી વિસ્તારમાંથી હોન્ડા એવિયેટર મોપેડ પણ ચોરી કરી હતી, પરંતુ માહીમ વિસ્તારમાં અકસ્માત થતા તે મોપેડ ત્યાં જ મૂકી ફરાર થઈ ગયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.50,000 કિંમતની એક્ટિવા મોપેડ નં. GJ-15-BJ-4231, રૂ.5,000 કિંમતનો મોબાઇલ ફોન અને રૂ.910 રોકડ રકમ મળી કુલ અંદાજિત રૂ.55,910 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વધુ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રોહિત વાઘરી સામે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ તેમજ NDPS એક્ટ હેઠળના ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. વલસાડ LCB દ્વારા મહારાષ્ટ્ર સુધી પહોંચી આરોપીઓને ઝડપી પાડતા જિલ્લામાં બનેલી ચોરીની ઘટનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

Related Articles

ગુજરાત

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ, 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો નાશ

વલસાડ, તા. 19 ઓગસ્ટ: વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં...

ગુજરાત

આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 24*7 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર...

ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની...

ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની...