છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર 7,000 થી વધુ બોમ્બ ફેંકીને 360 થી વધુ ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે, જેમાં લશ્કરી અને નાગરિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
છેલ્લા એક અઠવાડિયાથી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર કરેલા હુમલામાં અનેક સૈન્ય મથકો નાશ પામ્યા છે.
સ્કાઈ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ હુમલાઓમાં લશ્કરી સુવિધાઓની સાથે હોસ્પિટલો, ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્યાઓની શાળા જેવી નાગરિક માળખાગત સુવિધાઓ પર પણ પ્રહારો કરવામાં આવ્યા છે.

શાંતિપ્રિય ઈરાનની સ્થાપનાનો સમય – નેતન્યાહુ
ઈરાન પર હુમલા દરમિયાન સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ પછી, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાનીઓને તેમની સરકાર ઉથલાવી દેવા માટે આહવાન કર્યું હતું. નેતન્યાહુએ કહ્યું, “ઈરાનના તમામ વર્ગો – ફારસીઓ, કુર્દ, અઝેરીઓ, બલોચીઓ અને અહવાઝીઓ – માટે અત્યાચારની ઝૂંસરીમાંથી પોતાને મુક્ત કરવાનો અને એક સ્વતંત્ર અને શાંતિપ્રિય ઈરાનની સ્થાપના કરવાનો સમય આવી ગયો છે.”

અમેરિકાએ ઈરાદો સ્પષ્ટ કર્યો
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ઇઝરાયેલના પીએમ નેતન્યાહુની વાતોનું સમર્થન કર્યું છે. જોકે, વ્હાઇટ હાઉસે એમ પણ કહ્યું છે કે આ યુદ્ધનો લક્ષ્યાંક ઈરાનની નૌકાદળ, મિશાઈલો, પરમાણુ કાર્યક્રમ અને તેના સહયોગી મિલિશિયા નેટવર્કથી ઉભા થતા જોખમને નાબૂદ કરવાનો છે, શાસન પરિવર્તન (Regime Change) કરવાનો નહીં.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જો વર્તમાન શાસનની અંદર કોઈ વ્યક્તિની નીતિઓ અમેરિકાને સ્વીકાર્ય હોય, તો તેમને સત્તા સંભાળતા જોઈને આનંદ થશે.
નાગરિક બળવાની અપેક્ષા
સ્કાઈ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલ અને અમેરિકાએ તેહરાન અને કુર્દ વિસ્તારોમાં પોલીસ સ્ટેશનોને નિશાન બનાવ્યા હતા. અમેરિકા અને ઇઝરાયેલને હજુ પણ એવી આશા છે કે ઈરાની નાગરિકો પોતાની જ સરકારને ઉખેડી ફેંકશે.

- તેહરાનમાં દમન: ઈરાનની રાજધાની તેહરાન ઐતિહાસિક રીતે શાસન વિરોધી ઉદારવાદી અને રાષ્ટ્રવાદી વિરોધનું કેન્દ્ર રહ્યું છે. ગયા વર્ષના અંતમાં અહીંથી જ સરકાર વિરોધી પ્રદર્શનો શરૂ થયા હતા, જેને સુરક્ષા દળોએ ઘાતક દમન દ્વારા દબાવી દીધા હતા.
- કુર્દ વિસ્તારમાં ઉજવણી: સનંદજ જેવા કુર્દ બહુલ શહેરોએ લાંબા સમયથી ઈરાનની કેન્દ્રીય સરકાર પાસેથી વધુ અધિકારો અને સ્વાયત્તતાની માંગ કરી છે. કુર્દિશ લોકોએ સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈના મૃત્યુનું જાહેર ઉત્સવ અને રસ્તાઓ પર સૂત્રોચ્ચાર સાથે સ્વાગત કર્યું હતું.
