ભારતની કેન્દ્રીય બેંક (RBI) ચૂપચાપ વિદેશોમાંથી સોનું લાવીને પોતાની તિજોરીઓ ભરી રહી છે, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી જનતાને સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા છે. આ વિરોધાભાસ કેમ છે? RBI પાસે માર્ચ 2026 સુધીમાં 880.52 મેટ્રિક ટન સોનું થઈ ગયું છે, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે. જનતા દ્વારા સોનું ખરીદવાથી શું નુકસાન છે, જે RBI દ્વારા ખરીદવાથી નથી? ચાલો આ મુંઝવણભરી વાર્તાને સમજીએ.

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય જનતાને સોનું ઓછું ખરીદવાની અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય રિઝર્વ બેંક (RBI) પોતાના સોનાના ભંડારમાં રેકોર્ડબ્રેક વધારો કરી રહી છે. આવો વિરોધાભાસ કેમ? આ સાંભળવામાં જ અજીબ લાગે છે કે સામાન્ય લોકો સોનું ન ખરીદે, પરંતુ ભારતની સેન્ટ્રલ બેંક ખરીદી શકે! તો તમને જણાવી દઈએ કે આ કોઈ મૂંઝવણ નથી, પરંતુ એક અત્યંત વિચારેલું ‘ગ્લોબલ ઇકોનોમિક પ્લાનિંગ’ છે, જે ભારત માટે ફાયદાકારક છે. સામાન્ય લોકોનું સોનું ન ખરીદવું અને RBI દ્વારા સોનાનો ભંડાર વધારવો, આ બંને બાબતો દેશહિતમાં છે.
સરકારી તિજોરીમાં સોનાની ચમક
ભારતની સરકારી તિજોરીમાં છેલ્લા કેટલાક સમયમાં સોનાની ચમક ખૂબ વધી છે. આંકડાઓની વાત કરીએ તો, સપ્ટેમ્બર 2025માં આપણી પાસે 794.64 મેટ્રિક ટન સોનું હતું, જે માર્ચ 2026 સુધીમાં વધીને 880.52 મેટ્રિક ટન થઈ ગયું છે. નોંધવા જેવી વાત એ છે કે છેલ્લા બે દાયકામાં ભારતે સતત પોતાની ગોલ્ડ હોલ્ડિંગ વધારી છે. વર્ષ 2000માં આપણી પાસે અંદાજે 357 ટન સોનું હતું, જે આજે અઢી ગણાથી પણ વધુ થઈ ચૂક્યું છે.

સોનાની ‘ઘર વાપસી’
અહીં બે બાબતો છે: એક સોનાની ખરીદી અને બીજી સોનાની ઘર વાપસી. વર્ષોથી ભારતના સોનાનો એક મોટો હિસ્સો વિદેશની તિજોરીઓમાં (જેમ કે બેંક ઓફ ઈંગ્લેન્ડ) જમા હતો. પરંતુ હવે RBI તેને ઝડપથી પરત લાવી રહી છે. માર્ચ 2023માં આપણું લગભગ 437 ટન સોનું વિદેશમાં હતું, જે માર્ચ 2026 સુધીમાં ઘટીને માત્ર 197.67 ટન રહી ગયું છે. એનો અર્થ એ કે છેલ્લા એક વર્ષમાં અંદાજે 168 મેટ્રિક ટન સોનું ભારત પાછું લાવવામાં આવ્યું છે. હવે આપણા કુલ રિઝર્વનો લગભગ 77% હિસ્સો ભારતની પોતાની તિજોરીઓમાં (મુંબઈ અને નાગપુર) સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

RBI શા માટે સોનું પાછું લાવી રહી છે?
તેની પાછળ ત્રણ મોટા કારણો છે:
- ભૂ-રાજકીય સુરક્ષા (Geopolitical Security): 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પશ્ચિમી દેશોએ રશિયાના વિદેશી ભંડારને ફ્રીઝ કરી દીધો હતો. જેનાથી ભારતે બોધપાઠ લીધો કે પોતાની કિંમતી વસ્તુ પોતાના ઘરે જ સુરક્ષિત છે.
- 1991ની યાદો: એ સમયે દેશ પાસે આયાત માટે માત્ર 1.2 બિલિયન ડોલર જ બચ્યા હતા અને આપણે સોનું ગીરો મૂકવું પડ્યું હતું. આજે આપણી પાસે 691 બિલિયન ડોલરનો ભંડાર છે, છતાં આપણે ફરી ક્યારેય તેવી સ્થિતિ નથી ઈચ્છતા.
- ખર્ચમાં બચત: વિદેશમાં સોનું રાખવા માટે ભારે કસ્ટડી ફી અને ઇન્શ્યોરન્સના પૈસા ચૂકવવા પડે છે, જે હવે આપણે બચાવી રહ્યા છીએ.

જનતા માટે કેમ મનાઈ?
હવે સવાલ એ થાય છે કે જો સોનું એટલું જ સુરક્ષિત છે, તો મોદીજી જનતાને તે ખરીદતા કેમ રોકી રહ્યા છે? અસલમાં RBIનું સોનું અને જનતાનું સોનું બે અલગ વસ્તુઓ છે. જ્યારે તમે દુકાનમાંથી દાગીના ખરીદો છો, ત્યારે તેના માટે ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ડોલર આપીને સોનું મંગાવવું પડે છે. નાણાકીય વર્ષ 2026માં ભારતે 72 બિલિયન ડોલરનું સોનું આયાત કર્યું, જે આપણા કુલ આયાત બિલના 10% છે. જ્યારે આપણે વધુ સોનું ખરીદીએ છીએ, ત્યારે દેશના કિંમતી ડોલર બહાર જાય છે, જેનાથી રૂપિયો નબળો પડે છે અને મોંઘવારી વધે છે. અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે કે જો આપણે સોનાની ખાનગી આયાત ઘટાડીએ, તો રૂપિયો વધુ મજબૂત થશે.
બજાર પર અસર
વડાપ્રધાનની આ અપીલની અસર બજાર પર તરત જ જોવા મળી. જેવી આ ખબર આવી, શેરબજારમાં હલચલ મચી ગઈ. જ્વેલરી સેક્ટરના મોટા નામ જેમ કે Titan નો શેર 6% ગગડ્યો, જ્યારે Kalyan Jewellers માં 8% અને Senco Gold માં આશરે 10% નો મોટો ઘટાડો નોંધાયો. રોકાણકારોને ડર છે કે જો લોકો સોનું ઓછું ખરીદશે તો આ કંપનીઓનો નફો ઘટશે.

શું ભારતીયો સોનું ખરીદવાનું છોડી દેશે?
આ થોડું મુશ્કેલ લાગે છે કારણ કે આપણા દેશમાં લગ્ન-પ્રસંગોની અર્થવ્યવસ્થા સોના પર જ ટકેલી છે. વિશ્લેષકોનું કહેવું છે કે વડાપ્રધાન એવું નથી કહી રહ્યા કે તમે જરૂરી પ્રસંગોએ સોનું ન ખરીદો, પરંતુ સંદેશ એ છે કે તેને માત્ર રોકાણ માટે અંધાધૂંધ ન ખરીદો. સરકાર ઈચ્છે છે કે લોકો ફિઝિકલ ગોલ્ડ (બિસ્કિટ કે દાગીના) ને બદલે સોનાના બીજા વિકલ્પો (જેમ કે Sovereign Gold Bonds) માં રોકાણ કરે.
નિષ્કર્ષ: RBI સોનું જમા કરી રહી છે જેથી દેશની ‘બેલેન્સ શીટ’ મજબૂત રહે અને આપણે કોઈ પણ વૈશ્વિક સંકટનો સામનો કરી શકીએ. જ્યારે જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ આયાતી સોના પર નિર્ભરતા ઘટાડે, જેથી રૂપિયો સ્થિર રહે. સીધી રીતે સમજીએ તો RBI નું સોનું આપણી ઢાલ છે, જ્યારે સામાન્ય જનતા દ્વારા ખરીદાયેલું અતિશય સોનું હાલમાં દેશની અર્થવ્યવસ્થા પર બોજ બની રહ્યું છે.
