Valsad : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રમત રમતાં એક નિર્દોષ બાળકના જીવ પર બનાવ આવી ગયો. મળતી માહિતી મુજબ, સૂર્યદીપ બિલ્ડિંગ નજીક આવેલા કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહેલા બાળકોમાંનો એક 11 વર્ષીય બાળક, અનુજ ચૌથી શર્મા, દુર્ઘટનામાં મોતને ભેટ્યો.
અનુજને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે વાપી ખસેડવામાં આવી રહ્યો હતો. માર્ગમાં જ અનુજએ અંતિમ શ્વાસ લીધા.
પોલીસે ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. અનુજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભીલાડની સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
સ્થાનિકોમાં શોક અને રોષ
આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર ડહેલી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષા વ્યવસ્થાના અભાવે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવી બિલ્ડિંગોમાં ખાલીખમ ખાળકૂવાઓ અને ખુલ્લા ઢાંકણાં પર યોગ્ય કામગીરી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.
ઘટના દરમિયાન રમતના બોલ પાછળ અનુજ સૂર્યદીપ બિલ્ડિંગ તરફ દોડી ગયો હતો. દીવાલ ચડીને જ્યારે તેણે ખાળકૂવાના ઢાંકણા પર પગ મૂક્યો ત્યારે ઢાંકણું તૂટી પડ્યું અને અનુજ સીધો ખાળકૂવામાં ખાબકી ગયો. તેના સાથે રહેલા બાળકોએ તત્કાળ ચીસો પાડતા આસપાસના લોકો અને અનુજના પિતા દોડી આવ્યા.