Wednesday , 1 April 2026
Home ભારત અમદાવાદ Air India દુર્ઘટના જાણી જોઈને કરાઈ, પાયલટે બંધ કરી ફ્યૂલ સ્વિચ ? આ અખબારે પોતાના રિપોર્ટમાં કર્યો દાવો
ભારત

અમદાવાદ Air India દુર્ઘટના જાણી જોઈને કરાઈ, પાયલટે બંધ કરી ફ્યૂલ સ્વિચ ? આ અખબારે પોતાના રિપોર્ટમાં કર્યો દાવો

અમદાવાદ એર ઈન્ડિયા દુર્ઘટના પર ઈટલીના એક અખબારે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વિમાનના પાયલટે જાણીજોઈને ફ્યુઅલ સ્વિચ બંધ કરી દીધી હતી, જેના કારણે વિમાન ક્રેશ થયું. જોકે, ભારતીય તપાસ એજન્સીઓએ આ દાવાની પુષ્ટિ કરી નથી અને હાલમાં આ દાવો માત્ર અટકળો પર આધારિત છે.

એર ઈન્ડિયા દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ઈટલીના એક મીડિયા રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય તપાસકર્તાઓ જે અંતિમ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, તેમાં વિમાન દુર્ઘટનાનું કારણ પાયલટ દ્વારા જાણીજોઈને ફ્યુઅલ સ્વિચ બંધ કરવાનું દર્શાવવામાં આવ્યું છે. ઈટાલિયન ન્યૂઝ પેપર ‘કોરિયર ડેલા સેરા’ એ બુધવારે જાહેર કરેલા તેના રિપોર્ટમાં પશ્ચિમી એવિએશન એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોના હવાલેથી આ દાવો કર્યો છે.

કોકપિટ વોઈસ રેકોર્ડિંગના આધારે કરાયો દાવો

  • મીડિયા રિપોર્ટ તપાસના એ તથ્ય પર આધારિત છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી મળી નથી.
  • સાથે જ, વિમાનના કોકપિટમાં થયેલા વોઈસ રેકોર્ડિંગના આધારે એવું માનવામાં આવે છે કે પાયલટે જ ફ્યુઅલ સ્વિચ બંધ કરી હતી.
  • જોકે, હજુ સુધી ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, કે આ દાવાની પુષ્ટિ કરી નથી.

રિપોર્ટમાં એ વાતની સ્પષ્ટ જાણકારી નથી કે કયા સંજોગોમાં પાયલટે સ્વિચ જાણીજોઈને બંધ કરી. રિપોર્ટમાં મુખ્ય શંકાસ્પદ તરીકે વિમાનના કમાન્ડર સુમિત સભરવાલનું નામ લેવામાં આવ્યું છે. પાયલટ સુમિત સભરવાલનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ભારતીય પાયલટ એસોસિએશન અને સુમિત સભરવાલના પરિવારે આ દાવાને નકારી કાઢ્યો છે. તેમનું કહેવું છે કે દુર્ઘટનાની જવાબદારી પાયલટ પર નાખવા માટે આ એક સુનિયોજિત કાવતરું છે. તેઓએ વિમાન બનાવતી કંપની, એરલાઇન અને અન્ય તથ્યોની વિગતવાર તપાસ કરવાની માંગ કરી છે.

બ્લેક બોક્સની તપાસ અને નિષ્ણાતોનો મત

ડિસેમ્બરમાં AAIB ના ભારતીય તપાસકર્તાઓ વોશિંગ્ટન ગયા હતા, જ્યાં તેમણે વિમાનના બ્લેક બોક્સની તપાસ કરી હતી. તેમાં સૌથી વધુ ધ્યાન વોઈસ રેકોર્ડિંગ પર આપવામાં આવ્યું હતું. તેના આધારે જ મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે પાયલટે જાણીજોઈને ફ્યુઅલ સ્વિચ બંધ કરી હતી.

અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે કે બોઈંગ 787 માં એવું ક્યારેય બન્યું નથી કે બંને એન્જિન એકસાથે બંધ થઈ જાય. આવું માત્ર જાણીજોઈને કરવામાં આવ્યું હોય અથવા અકસ્માતની સ્થિતિમાં જ થઈ શકે છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પહેલા વિમાનનું ડાબું એન્જિન બંધ થયું અને પછી જમણું. પાયલટ સીટ પર ડાબી બાજુ કેપ્ટન સુમિત સભરવાલ અને જમણી બાજુ કેપ્ટન ક્લાઈવ કુંદર બેઠા હતા.

કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માંથી જાણવા મળ્યું છે કે એક પાયલટે પૂછ્યું, “તેં એન્જિન કેમ બંધ કર્યું?” જેના પર બીજા પાયલટે જવાબ આપ્યો, “મેં નથી કર્યું.”

વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા

એર ઈન્ડિયાનું વિમાન બોઈંગ 787 ડ્રીમલાઈનર ગત વર્ષે 12 જૂને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા, જેમાં વિમાનમાં સવાર 241 લોકો અને મેડિકલ હોસ્ટેલના 19 લોકોનો સમાવેશ થાય છે. વિમાન ટેક-ઓફ થયાની માત્ર 32 સેકન્ડમાં જ ક્રેશ થઈને મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ પર ખાબક્યું હતું.

Related Articles

ભારત

ઇચ્છામૃત્યુની મંજૂરી મેળવનાર 31 વર્ષીય હરીશ રાણાના અંતિમ સંસ્કાર, 13 વર્ષ કોમામાં રહ્યા બાદ નિધન

દિલ્હીમાં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની પરવાનગી મેળવનાર પ્રથમ વ્યક્તિ હરીશ રાણાના અંતિમ સંસ્કાર કરવામાં...

ભારત

નેશનલ હાઈવે પર દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને ટ્રકે ટક્કર મારી, 7 લોકોના કરુણ મોત

અસમના સોનિતપુરમાં ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે થયેલી ટક્કરમાં સાત લોકોના મોત થયા...

ભારત

BIG BREAKING : દેશમાં ગેસ, પેટ્રોલ અને ડિઝલની સંગ્રહખોરી રોકવા ESMA લાગુ કરવામાં આવ્યું ! શું છે આ ESMA ?

સરકારે તેલ રિફાઇનરીઓને એલપીજી (LPG) ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપવા માટે ‘એસ્મા’ (ESMA)...