Friday , 31 July 2026
Home ગુજરાત આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર
ગુજરાત

આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 24*7 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

અત્યાર સુધીમાં સચેત પ્રણાલી મારફતે ૨૮૬ કરોડથી વધુ એસ.એમ.એસ નાગરિકોને મોકલાયા

રાજ્યકક્ષાએ ૫૧૯૦૦ અને ૧૦૭૦ જ્યારે જિલ્લા કક્ષાએ ૧૦૭૭ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર કાર્યરત

ભૂકંપ, પૂર, વાવાઝોડું જેવી દરેક કટોકટીમાં અત્યાધુનિક ટેક્નોલોજી અને રિયલ-ટાઇમ સંકલન દ્વારા રાજ્યભરમાં ત્વરિત રાહત-બચાવ કામગીરીનું કેન્દ્રબિંદુ

આપત્તિ ક્યારેય આગોતરી સૂચના આપતી નથી. પરંતુ જ્યારે પ્રકૃતિનો પ્રકોપ કે કોઈ અણધારી કટોકટી ગુજરાતના દરવાજે ટકોરા મારે છે, ત્યારે રાજ્યનું એક એવું તંત્ર તરત જ સક્રિય થઈ જાય છે. આ તંત્ર ગણતરીની મિનિટોમાં સમગ્ર વહીવટી વ્યવસ્થાને એકસાથે કાર્યરત કરીને લાખો નાગરિકોની સુરક્ષા માટે અવિરત કામે લાગી જાય છે. આ અદૃશ્ય પરંતુ અત્યંત સશક્ત સુરક્ષા કવચ છે ગાંધીનગર ખાતે કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)’.

વર્ષ ૨૦૦૧ના કચ્છના વિનાશક ભૂકંપે ગુજરાતને આપત્તિ વ્યવસ્થાપનનું કડવું પરંતુ અમૂલ્ય શિક્ષણ આપ્યું હતું. તે અનુભવોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને ગુજરાત સરકારે વિશ્વસ્તરીય આપત્તિ વ્યવસ્થાપન માળખું વિકસાવ્યું છે. તેનું કેન્દ્રબિંદુ બનેલું SEOC આજે ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સહિતની કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે ‘સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ હબ’ તરીકે ૨૪ કલાક કાર્યરત રહે છે. તે રિયલ-ટાઇમ સંકલન, સમયસર ચેતવણીઓ અને ઝડપી રાહત-બચાવ કામગીરી પાર પાડી રાજ્યનાં દરેક નાગરિકને સુરક્ષા પુરી પાડે છે.

કટોકટીના સમયે સંચાર વ્યવસ્થા જાળવવી એ સૌથી મોટો પડકાર હોય છે. SEOC આ પડકારને પહોંચી વળવા જીસ્વાન હોટલાઈન, સેટેલાઈટ ફોન, લેન્ડલાઈન, ઈ-મેઈલ, વોટ્સએપ અને સોશિયલ મીડિયા ઉપરાંત ચોમાસા દરમિયાન ખાસ ઉપયોગમાં લેવાતા પોલીસ વાયરલેસ સેટ તથા ‘હેમ રેડિયો’ જેવા બહુવિધ પ્રત્યાયન માધ્યમોનો ઉપયોગ કરે છે.

આ સાથે નાગરિકોને સમયસર સતર્ક કરવા માટે “સચેત પોર્ટલ” ની અદ્યતન સુવિધા વિકસાવવામાં આવી છે. જેના દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં માસ એસ.એમ.એસ. (Mass SMS) મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં આ પ્રણાલી મારફતે ૨૮૬.૪ કરોડથી વધુ એસ.એમ.એસ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાતં ૬ કરોડથી વધુ મોબાઈલ એપ યુઝર્સ અને ૫.૩ લાખથી વધુ વેબ બ્રાઉઝર એક્સેસ દ્વારા નાગરિકોને સુરક્ષિત રાખવામાં આ સેન્ચર સફળ રહ્યું છે.

ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન માળખા હેઠળ કાર્યરત આ સેન્ટર કોઇ સાધારણ કંટ્રોલ રૂમ નથી. આ સેન્ટર સમગ્ર રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અત્યાધુનિક નેટવર્ક દ્વારા સીમલેસ સંકલન સાધવા વિકસાવેલું એક સુવ્યવસ્થિત માળખું છે. હાલમાં રાજ્યના ૩૩ ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOCs), ૫ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને ૨૪૮ તાલુકા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અવિરતપણે કાર્યરત છે. સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક (GSWAN) કનેક્ટિવિટી અને સતત ૨૪x૭ મોનિટરિંગના સુગ્રથિત માળખા દ્વારા આપત્તિ પહેલાંની પૂર્વ તૈયારીઓ અને આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ આપવો શક્ય બને છે. આ બધા સેન્ટર રાહત કમિશનરશ્રીના માર્ગદર્શન અને રાહત નિયામકશ્રીના સંચાલન હેઠળ સતત કાર્યરત રહે છે.

આપત્તિના સમયે કોઈપણ નાગરિક સીધો સંપર્ક કરીને ત્વરિત મદદ મેળવી શકે તે માટે ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યનો કોઈપણ નાગરિક મુશ્કેલીના સમયે રાજ્યકક્ષાએ ૫૧૯૦૦ / ૧૦૭૦ અને જિલ્લા કક્ષાએ ૧૦૭૭ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને માહિતી આપી સહાય મેળવી શકે છે. ગુજરાત સરકારનું આ સુસજ્જ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દરેક આપત્તિ સામે નાગરિકો માટે એક અડીખમ સુરક્ષા કવચ બનીને ઊભું છે.

આફતની સ્વરૂપ અનુસાર નિષ્ણાત એજન્સીઓ સાથે સંકલન

કોઈપણ આફતના સ્વરૂપ અને તેની ગંભીરતા પ્રમાણે SEOC સંબંધિત વિશિષ્ટ અને તકનીકી નિષ્ણાત એજન્સીઓ સાથે સઘન સંકલન સાધે છે. ભૂકંપ કે સિસ્મિક ગતિવિધિઓ વખતે ‘ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ’ (ISR), પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં ભારત હવામાન વિભાગ (IMD), સિંચાઈ વિભાગ અને ISRO, તેમજ સુનામીની શક્યતાઓ વખતે IMD, INCOIS અને ISR સાથે મળીને રિયલ-ટાઇમ કામગીરી કરવામાં આવે છે.

એનડીઆરએફની 17 ટીમો હંમેશા સુસજ્જ

આ ઉપરાંત દુષ્કાળ અને હીટવેવ માટે કૃષિ વિભાગ, રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાસાયણિક દુર્ઘટનાઓ માટે DISH તથા શ્રમ અને રોજગાર વિભાગ અને આગની ઘટનાઓમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ સાથે સતત સંકલન રાખવામાં આવે છે. સાથોસાથ રાહત-બચાવ કામગીરીને ત્વરિત બનાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ૧૭ ટીમ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ૩૨ ટીમ હંમેશા સુસજ્જ રાખવામાં આવે છે. આ ઉપરાંત જરૂરત જણાય તો આર્મી, એરફોર્સ અને નેવીની પણ મદદ લેવામાં આવે છે.

Related Articles

ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની...

ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની...

ગુજરાત

સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: ફર્જ પર તૈનાત RFO વિકાસ દેસાઈ સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો

તાપી જિલ્લાના સોનગઢમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવનારી ઘટના...

ગુજરાત

વલસાડમાં પત્રકારોની જનરલ મિટિંગ : પ્રેસ કોન્ફરન્સમાં માત્ર માન્યતા પ્રાપ્ત પત્રકારોને જ પ્રવેશ આપવા માંગ, પોલીસવડાને રજૂઆત

વલસાડ જિલ્લાના પત્રકારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેસ કોન્ફરન્સમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તથા...