રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયેલ ‘હનીમૂન મર્ડર’ માત્ર એક ક્રાઈમ સ્ટોરી નથી, પરંતુ ઠંડા કલેજે ઘડવામાં આવેલું એક એવું કાવતરું છે જેની પટકથા સાદુલશહરની ગલીઓમાં લખાઈ અને અંજામ રાવલાના એક એકાંત રસ્તા પર આપવામાં આવ્યો.
શ્રીગંગાનગરમાં એક એવો હત્યાકાંડ સામે આવ્યો છે જેણે ‘પવિત્ર સંબંધ’ને તાર-તાર કરી દીધો છે. જેને દુનિયા એક કરુણ માર્ગ અકસ્માત સમજી રહી હતી, તે અસલમાં સુહાગરાતની સેજ પર રચાયેલું એક લોહિયાળ કાવતરું નીકળ્યું. લગ્નના માત્ર 3 મહિના બાદ જ એક નવવધૂએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની જીવનલીલા સંકેલી લીધી.

હિટ એન્ડ રન નહીં, આ છે ‘હનીમૂન મર્ડર’!
30 જાન્યુઆરીની રાત્રે જ્યારે ગંગાનગરના રાવલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 વર્ષીય આશિષની લાશ નિર્જન રસ્તા પર મળી, ત્યારે તેની પત્ની અંજુએ રડતા-કકળતા તેને ‘હિટ એન્ડ રન’ ગણાવ્યું હતું. અંજુનો દાવો હતો કે એક અજ્ઞાત વાહને તેમને ટક્કર મારી અને લૂંટારુઓ તેના ઘરેણાં લૂંટી ગયા. પરંતુ ગંગાનગર એસપી (SP) અમૃતા દુહાનની ટેકનિકલ તપાસે આ ‘પરફેક્ટ મર્ડર’ના લીરેલીરા ઉડાડી દીધા. પોલીસે જ્યારે પુરાવા તપાસ્યા તો સામે આવ્યું કે આ અકસ્માત નહીં, પણ ‘હનીમૂન મર્ડર’ હતું.

સાંજે ફરવા નીકળ્યા અને ઝાડીઓમાંથી હુમલો થયો
તપાસમાં બહાર આવ્યું છે કે 23 વર્ષીય અંજુ આ લગ્નથી ખુશ નહોતી. તેનું દિલ તેના જૂના પ્રેમી સંજુ માટે ધબકતું હતું. લગ્ન પછી જ્યારે તે પિયર (સાદુલશહર) ગઈ, ત્યારે તેણે ફરીથી સંજુનો સંપર્ક કર્યો. હત્યાની આખી યોજના સાદુલશહરમાં જ તૈયાર કરવામાં આવી હતી. કાવતરા મુજબ અંજુ સાસરે પાછી ફરી અને પતિ આશિષને પોતાની જાળમાં ફસાવ્યો. તેને ખબર હતી કે આશિષ રાત્રિ ભોજન પછી ટહેલવા જાય છે, તેથી તે જાણી જોઈને તેની સાથે જવા લાગી હતી.

ગળું દબાવ્યું, નિર્દયતાથી માર માર્યો અને પછી લૂંટનું નાટક
જેવું આ દંપતી એકાંત સ્થળે પહોંચ્યું, હુમલાખોરોએ આશિષ પર હુમલો કરી દીધો. આશિષને ત્યાં સુધી મારવામાં આવ્યો જ્યાં સુધી તે અધમૂઓ ન થઈ ગયો, અને પછી નિર્દયતાથી તેનું ગળું દબાવી દેવામાં આવ્યું. સાઝીશને અસલી રૂપ આપવા માટે અંજુએ પોતે જ પોતાનો મોબાઈલ અને કાનની બુટ્ટીઓ સંજુને આપી દીધી જેથી પોલીસ તેને લૂંટ અને અકસ્માત માની લે. વારદાત પછી અંજુએ રસ્તા પર બેભાન થવાનું એવું નાટક કર્યું કે શરૂઆતમાં દરેક તેને પીડિતા સમજવા લાગ્યા.
મેડિકલ રિપોર્ટ અને કોલ રેકોર્ડસે ખોલ્યું રાજ
કાતિલ ગમે તેટલી સાવધાની રાખે, પણ પુરાવા છોડી જ દે છે. એસપી અમૃતા દુહાને જણાવ્યું કે ઘટનાસ્થળના નિરીક્ષણ દરમિયાન પોલીસને શંકા ગઈ હતી. મેડિકલ રિપોર્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો કે આશિષના શરીર પરના નિશાન અકસ્માતના નહીં પણ મારપીટના હતા અને તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. સૌથી મોટો પુરાવો અંજુનો ફોન બન્યો. તપાસમાં જાણવા મળ્યું કે તે ઘટના પહેલા તેના પ્રેમી સંજુ સાથે સતત સંપર્કમાં હતી. પોલીસની કડકાઈ સામે અંજુ ભાંગી પડી અને પોતાની બેવફાઈની લોહિયાળ કહાની કબૂલી લીધી.

‘બેવફા’ પત્ની સહિત ચારેય હત્યારાઓની ધરપકડ
ગંગાનગર પોલીસે ટેકનિકલ પાસાઓ અને એફએસએલ (FSL) ટીમની મદદથી આ વણઉકેલાયેલા મર્ડર મિસ્ટ્રીને ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી છે. પોલીસે મુખ્ય આરોપી પત્ની અંજુ, તેનો પ્રેમી સંજુ અને અન્ય બે સાથીદારોની ધરપકડ કરી છે. ત્રણ મહિના જૂના લગ્નનો આવો ભયાનક અંત જોઈને સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે.
