વલસાડના તિથલ સમુદ્ર તટે બિરાજમાન સાઈબાબા મંદિરે આગામી 25-26 માર્ચે 44મો રામનવમી મહોત્સવ યોજાઈ રહ્યો છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શિરડી સાઈબાબા સંસ્થાપન, તિથલ-વલસાડ દ્વારા બે દિવસીય રામનવમી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 25મી માર્ચ ચૈત્ર સુદ આઠમને બુધવારે પ્રાત: 6 કલાકે કાકડ આરતી બાદ મંગલ અભિષેક, મંગલ આરતી, દર્શન, 8 કલાકે સાઈસચ્ચરિત્રના અખંડ પાઠ પારાયણનો પ્રારંભ, 10 કલાકે રામયજ્ઞનો પ્રારંભ, બપોરે 12 કલાકે મધ્યાન આરતી, સાંજે 5 કલાકે અખંડપાઠની પૂર્ણાહુતિ, 6 કલાકે સંધ્યા- ધૂપઆરતી, સાંજે 6:30 કલાકે સાઈપાલખી બાદ સેજાઆરતી.
બીજા દિવસે 26મી માર્ચ, ચૈત્ર સુદ નોમ ગુરૂવારે પ્રાત: 5 કલાકે કાકડ આરતી, 5:30 થી 7 કલાક સુધી બાબાનો મંગલ અભિષેક જેમાં દરેક ભક્તો બાબાનો સ્વયં અભિષેક કરી શકશે. 7 કલાકે શૃંગાર બાદ મંગલ આરતી, 10 કલાકે સત્યનારાયણની મહાપૂજા, 12 કલાકે રામધૂન સાથે રામજન્મની ઉજવણી, મધ્યાન આરતી બાદ બપોરે 12:30 થી 2 કલાક સુધી તમામ ભક્તો માટે મહાપ્રસાદ નું વિતરણ કરાશે.સાંજે 5 કલાકે રામયજ્ઞની પૂર્ણાહુતિ, સાંજે ધૂપ આરતી, રાત્રે 8 કલાકે સેજાઆરતી બાદ 9 કલાક સુધી દર્શન માટે મંદિર ખૂલ્લુ રહેશે. આ બે દિવસીય રામ જન્મોત્સવમાં મોટી સંખ્યા માં ભક્તોને લાભ લેવા જણાવાયું છે.
