ઓડિશાના વિજિલન્સ વિભાગે ખાણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરની ધરપકડ કરી તેમના ઘરેથી ચાર કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીની આ સૌથી મોટી રોકડ જપ્તી છે. અધિકારીને પહેલા 30,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ઓડિશામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિજિલન્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, ઓડિશા ખાણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર દેબબ્રત મોહંતીની ધરપકડ કરી તેમના ફ્લેટમાંથી 4 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. નોટોના બંડલ કથિત રીતે ટ્રોલી બેગમાં ભરીને રાખવામાં આવ્યા હતા. રાજ્યની એન્ટી કરપ્શન એજન્સી દ્વારા કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ રકમની રિકવરી છે.

લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીની શરૂઆત મંગળવારે રાત્રે થઈ હતી. દેબબ્રત મોહંતીને એક લાયસન્સ ધરાવતા કોલસાના વેન્ડર પાસેથી તેનું કામ સરળ કરી આપવાના બદલામાં 30,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યા હતા. તેમની ધરપકડના તરત જ બાદ, વિજિલન્સની ટીમોએ મોહંતીના ભુવનેશ્વર સ્થિત ફ્લેટ, ભદ્રક જિલ્લામાં તેમના પૈતૃક ઘર અને કટક સ્થિત ઓફિસ પર એકસાથે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.
ફ્લેટમાંથી મળ્યા ચાર કરોડ રૂપિયા
ભુવનેશ્વરના ફ્લેટની તપાસ દરમિયાન અધિકારીઓને ટ્રોલી બેગમાં નોટો મળી આવી હતી. જ્યારે આ નોટોની ગણતરી કરવામાં આવી ત્યારે કુલ રકમ 4 કરોડ રૂપિયા નીકળી હતી. આ ઉપરાંત, મોહંતીની ઓફિસના ડ્રોઅરમાંથી પણ 1.20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તપાસમાં અત્યાર સુધી ભુવનેશ્વરમાં એક આલીશાન બે માળનું મકાન અને અંદાજે 130 ગ્રામ સોનું પણ મળી આવ્યું છે.
જૂનો રેકોર્ડ તૂટ્યો
આરોપી અધિકારી વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ’ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ જપ્તી એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે તેણે 2022નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અગાઉ 7 એપ્રિલ, 2022ના રોજ ગંજમ જિલ્લામાં એક આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરેથી 3.4 કરોડ રૂપિયા મળ્યા હતા, જે તે સમયની સૌથી મોટી રિકવરી હતી.
